World Sleep Day | અનિદ્રાની સમસ્યા ધરાવતા દર્દીઓ 10 ટકા વધ્યાઃ મોટાભાગના યુવાનો
આજે 'વર્લ્ડ સ્લીપ ડે' છે ત્યારે ચિંતાનું 'એલાર્મ'
અપૂરતી ઊંઘથી ચિંતા, તણાવ જેવી સમસ્યા પણ વધી, અનેક યુવાનો હવે ઊંઘની દવા લીધા વિના ઊંઘી પણ શકતા નથી
Insomnia on the rise in young people: ઊંઘ મગજને રિચાર્જ કરવાનું કામ કરે છે. મગજની અંદર અલગ-અલગ રસાયણો હોય છે, જેને બેલેન્સ કરવા પણ પૂરતી ઊંઘ જરૂરી છે. પરંતુ વર્તમાન સમયમાં અનિદ્રાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. 15થી 35ની વય ધરાવતા અનેક લોકો હવે ઊંઘની ગોળી લીધા વિના ઊંઘ પણ લઇ શકતા નથી. આવતીકાલે 'વર્લ્ડ સ્લીપ ડે' છે ત્યારે અનિદ્રાના વધતા જતાં દર્દીઓ ચિંતાના 'એલાર્મ' સમાન છે.
15થી 35ની વયજૂથનામાં અનિદ્રાની સમસ્યા સૌથી વધુ
મોટાભાગના લોકોએ સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં લોકોની ઊંઘમાં 2થી 3 કલાકનો ઘટાડો થયો છે, તેનું મુખ્ય કારણ છે સ્લીપ ડિસઓર્ડર. વિશેષ કરીને કોવિડ બાદ અનિદ્રાના દર્દીઓ વધ્યા છે. અનિદ્રાની સમસ્યા ધરાવતા મોટાભાગના દર્દીઓ 15થી 35ની વયજૂથના છે. અપૂરતી ઊંઘથી તેઓ એન્ક્ઝાઇટી, ડિપ્રેશન જેવી અન્ય વિવિધ સમસ્યાના પણ ભોગ બનતા હોય છે. માનસિક આરોગ્યની હોસ્પિટલમાં આવતા સરેરાશ 100માંથી 70 દર્દીને અનિદ્રાની સમસ્યાને કારણે ઊંઘ આવે તેવી દવા લેવી પડે છે. ગવર્મેન્ટ હોસ્પિટલ ઓફ મેન્ટલ હેલ્થના સુપ્રિટેન્ડન્ટ ડો. અજય ચૌહાણે જણાવ્યું કે, 'કોવિડ અગાઉ માનસિક આરોગ્યની હોસ્પિટલમાં આવતાં 100માંથી સરેરાશ 20 દર્દી અનિદ્રાની સમસ્યા ધરાવનારા હતા. પરંતુ આ પ્રમાણ હવે વધ્યું છે.
બાળકોમાં પણ જોવા મળે છે અનિદ્રાની સમસ્યા
હાલમાં 100માંથી સરેરાશ 30 દર્દી અનિદ્રાના હોય છે. અનિદ્રાની સમસ્યા હવે બાળકોમાં પણ જોવા મળી રહી છે. અનિદ્રાના દર્દીમાંથી મોટાભાગના રાત્રે ઊંઘ નહીં આવવાની સમસ્યા ધરાવનારા હોય છે, કેટલાક દર્દી એવા પણ હોય છે જેમની વહેલી સવારે તણાવને કારણે આંખ ખુલ્લી જાય છે અને ત્યારબાદ ઊંઘ નહીં આવી શકતા તેઓ પૂરતા કલાકની ઊંઘ લઇ શકતા નથી. પૂરતા કલાકની ઊંઘ થાય તેના માટે સ્લીપ હાઇજીન જાળવવું જરૂરી છે. જેમાં ઊંઘતા પહેલા હૂંફાળા પાણીથી સ્નાન કરવું, પથારીમાં મોબાઇલ કે પુસ્તકનો ઉપયોગ બંધ કરવો જેવી બાબતનો સમાવેશ થાય છે. ઊંઘતા પહેલા મનને શાંત પાડે તેવું મ્યુઝિક સાંભળવું હિતાવહ છે. જે વ્યક્તિને સ્ટ્રેસ રહેતું હોય અને તેના કારણે ઊંઘની સમસ્યા હોય તો તેણે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરાવવું જોઇએ. '
કેટલી ઊંઘ લેવી પૂરતી છે...
કેટલી ઊંઘ લેવી તે પૂરતી છે વ્યક્તિએ -વ્યક્તિએ અલગ છે. કેટલીક વ્યક્તિ 8 કલાકની ઊંઘ બાદ પણ દિવસે થાક અનુભવે છે તો કેટલાક ચાર કલાકની ઊંઘ છતાં દિવસે સ્ફૂર્તિમાં હોય છે. આમ છતાં ડોક્ટરોના મતે બાળક માટે 10થી 12 કલાક, પુખ્ત વયની વ્યક્તિ માટે 6 થી 8 કલાક જ્યારે 55થી વધુ વયની વ્યક્તિ માટે 6-7 કલાકની ઊંઘ પૂરતી કહી શકાય.
અનિદ્રાથી અન્ય કોઇ સમસ્યાનો પણ સામનો કરવો પડે છે
- દિવસ દરમિયાન અન્ય કામમાં એકાગ્રતા રહેતી નથી
- ઊંઘ નહીં આવવાથી મોડી રાત્રે કંઇક ખાવાની ઈચ્છા થાય છે અને મોડી રાત્રે ખોરાક લેવાથી મેદસ્વીપણાનો ભોગ બનાય છે
- આંખોને ફરતે કાળા કુંડાળા થાય છે અને આંખો ઊંડી ઉતેરલી જોવા મળે છે
- અનિદ્રાથી રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે.
અપૂરતી ઊંઘના કારણો...
- મોડી રાત સુધી ઓટીટી જોવાની ટેવ
- સોશિયલ મીડિયામાં રચ્યા-પચ્યા રહેવું
- બિઝનેસ, જોબ, કારકિર્દીની ચિંતા
- આર્થિક ભારણ
- કેટલાક યુવાનો-કિશોરો પોતાના મિત્રો કરતાં સોશિયલ મીડિયામાં ઓછી લાઇક્સ આવે તો પણ ચિંતામાં ઊંઘી શકતા નથી.