IndiGo informs DGCA about Flight management: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હાલમાં મોટા ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઇટ રદ અને વિલંબ થવાની ઘટના સામે આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બાબતની સમીક્ષા કરી છે અને એરલાઇનને સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, ઇન્ડિગોએ ગુરુવારે (4 ડિસેમ્બર) 550 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. ઘણા એરપોર્ટ પર હવાઈ સેવાઓમાં વિલંબ થવાના કારણે સેંકડો મુસાફરોને મુસાફરીનું આયોજન કરવામાં અસર પડી રહી છે.
ઈન્ડિગોએ DGCAને જણાવ્યું
DGCA અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ રદ થવાની સંખ્યા હવે દરરોજ 170 થી 200 સુધી પહોંચી ગઈ છે, જે સામાન્ય કરતા અનેક ગણી વધારે છે. આ મામલે DGCA પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ટિકિટ ભાડા પર દેખરેખ રખાશે. જેનાથી કોઈપણ એરલાઇન તેનો લાભ ન લે.
DGCAને આપેલા જવાબમાં ઇન્ડિગોએ સ્વીકાર્યું કે, ફ્લાઇટ રદ કરવા પાછળ નવા ફ્લાઇટ ડ્યુટી સમયના ધોરણો લાગુ કરવામાં ભૂલો, આયોજનમાં ખોટી ગણતરીઓ અને ક્રૂ ઉપલબ્ધતાને કારણે કારણો હતા. આ સ્થિતિ અસ્થાયી છે અને સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઇન્ડિગોએ મુજબ, શેડ્યૂલને સ્થિર કરવા માટે આગામી બે થી ત્રણ દિવસમાં વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. 8 ડિસેમ્બરથી કંપની ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે, જેથી કામગીરી સામાન્ય થઈ શકે. 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કામગીરી ફરી શરૂ થવાની શક્યતા છે.
હૈદરાબાદમાં મુસાફરોએ હોબાળો મચાવ્યો
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર બુધવાર અને ગુરુવારે પરિસ્થિતિ અત્યંત ભયાનક હતી. 37 ફ્લાઇટ્સ રદ કરાતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા. જેમાં કોઈ યોગ્ય માહિતી કે વ્યવસ્થા ન કરવામાં આવતા મુસાફરો ભારે અગવડતા પડી હતી. આ સમય દરમિયાન કેટલાક મુસાફરો ગુસ્સાથી એરલાઇન વિરુદ્ધ "ઇન્ડિગો બંધ કરો... ઇન્ડિગો મુર્દાબાદ" ના નારા લગાવ્યા હતા. સમગ્ર મામલે ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, તેમને 12 કલાકથી વધુ રાહ જોવાની ફરજ પાડવામાં આવી હતી. તેમજ હોટેલ કે રહેવાની સુવિધા આપવામાં આવી ન હતી, અને દર કલાકે કહેવામાં આવતું હતું કે, "ક્રૂ આવી રહ્યા છે...."
ગોવામાં 11 ફ્લાઇટ્સ રદ, 25 લેટ
ગોવાના ડાબોલિમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ સ્થિતિ સામાન્ય જોવા મળી ન હતી. 11 ફ્લાઇટ્સ રદ અને 25 ફ્લાઈટ કલાકો સુધી લેટ આવવાથી મુસાફરો એરલાઇન્સથી હતાશ અને નારાજ થયા હતા.
આ પણ વાંચો: 5 શહેરોમાં 400 ફ્લાઇટ કેન્સલ, આખરે કઈ આફતમાં ફસાઈ ઇન્ડિગો એરલાઇન્સ?
નાગરિક ઉડ્ડયન મંત્રીની અધ્યક્ષતામાં ઇન્ડિગોની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. મંત્રીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને તમામ એરપોર્ટ મુસાફરોને સહાય અને માહિતી પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે DGCAને પણ કટોકટીના બહાના હેઠળ ભાડા વધારાને રોકવા માટે ટિકિટ ભાડા પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. સરકાર અને DGCA દ્વારા કડક દેખરેખ રાખવાથી આગામી દિવસોમાં પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થવાની અપેક્ષા છે. જોકે, હાલ પૂરતું મુસાફરોને એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવે છે.


