ભારતીય બાળકો સૌથી વધારે હોય છે ઠીંગણા, જાણો પાકિસ્તાનનો શું છે હાલ
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
સરકાર બાળકોમાં ઠીંગણાપણાનું માપ કરવાના માપદંડની સમીક્ષા કરી રહી છે અને ભારતીયોના માનવશાસ્ત્ર અનુસાર તેના ભારતીયકરણનો રસ્તો શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓછી ઊંચાઈ એટલે કે ઠીંગણાપણાથી પીડિત સૌથી વધુ 4.66 કરોડ બાળકો છે. ત્યારબાદ નાઇજીરીયાનો ક્રમ આવે છે જ્યાં 1.39 કરોડ બાળકો અને પાકિસ્તાનમાં 1.07 કરોડ બાળકો આ સમસ્યાથી પીડાય છે.
ઠીંગણાપણું એક સમસ્યા છે જેમાં પોષણનો અભાવ, વારંવાર ચેપ થવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ સમસ્યામાં બાળકોની લંબાઈ સામાન્ય કરતા ઘણી ઓછી હોય છે. હાલમાં તેને માપવા માટે બાળકોની લંબાઈની મદદ લેવામાં આવે છે. ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2018 અનુસાર ભારતમાં ઠીંગણાપણાથી પીડિત સૌથી વધુ 4.66 કરોડ બાળકો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 અનુસાર પાંચ વર્ષથી ઓછી વયના 38.4 ટકા બાળકોમાં વામનપણું જોવા મળે છે. એટલે કે તેમની લંબાઈ તેમની ઉંમર કરતાંથી ઓછી છે. સાથે જ 21 ટકા બાળકો એવા છે કે જેનું વજન તેમની લંબાઈના પ્રમાણમાં ઓછું છે.
આ સર્વે અનુસાર બિહારમાં પાંચ વર્ષથી ઓછી વયના 48.3 ટકા બાળકો આ સમસ્યાનો શિકાર છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભારતના વિવિધ ભાગમાં બાળકોનું માનવ સંરચના વિજ્ઞાન બદલે છે. તેવામાં ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં બાળકોમાં વામનપણું માપવા માટે એક માપદંડ હોઈ શકે નહીં. સરકાર હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મદદથી, ઠીંગણાપણું માપવાના આંતરરાષ્ટ્રીય ધોરણોને કેવી રીતે ભારતીય બનાવવી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.