ભારતમાં મેદસ્વિતા ઘટાડવાની સર્જરીમાં 100 ગણો વધારો થયો
- પંદર વર્ષ પહેલાં માત્ર 200 સર્જરી થઇ હતી
- આજે હજારોની સંખ્યામાં થવા માંડી છે
નવી દિલ્હી, તા.22 ઓગસ્ટ 2019, ગુરૂવાર
ભારતમાં છેલ્લાં પંદર વર્ષમાં મેદસ્વિતા ઘટાડવાની શસ્ત્રક્રિયામાં 100 ગણો વધારો થયો હોવાની માહિતી ઓબેસિટિ સર્જરી સોસાયટી ઑફ ઇન્ડિયાએ આપી હતી. 2004માં આખા દેશમાં આવી માંડ 400 સર્જરી થઇ હતી. આજે 2019માં આ સંખ્યા વધીને વીસ હજારની થઇ ગઇ હતી. અગાઉ આ સર્જરીની સ્પેશિયલિટી ધરાવતા માત્ર આઠ સર્જન હતા. આજે 450થી પણ વધુ સર્જનો આવી શસ્ત્રક્રિયા કરે છે.
સૌથી વધુ ચરબી ધરાવતા લોકો કયા રાજ્યમાં વધુ છે એ જાણવું પણ રસપ્રદ થઇ પડશે. પાટનગર નવી દિલ્હી, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં મેદસ્વિતા ઘટાડવાની સર્જરીની સંખ્યામાં ઘણો વધારો થયો હતો.
બેરિયેટ્રીક સર્જરી તરીકે ઓળખાતા આ ઓપરેશનમાં પેટ અને કમરની આસપાસનો કેટલોક હિસ્સો કાપી નાખવામાં આવે છે. આશ્વાસન માત્ર એ વાતનું લઇ શકાય કે અમેરિકાની તુલનાએ આપણે ત્યાં આઐ સર્જરી ખૂબ ઓછી થાય છે. અમેરિકામાં ગયા વરસે અઢી લાખ લોકોએ આવી સર્જરી કરાવી હતી.
ઓબેસિટિ સર્જરી સોસાયટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ ડૉક્ટર અરુણ પ્રસાદ પોતાના આ વિશેના સર્વેના રિપોર્ટને આવતા મહિને સ્પેનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય પરિષદમાં રજૂ કરશે.