ભારતમાં 7.42 કરોડ લોકો ડાયાબિટીસનો શિકાર, 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકોમાં પ્રમાણ વધ્યું
વિશ્વના ડાયાબિટીસ કેપિટલમાં હજી રોગ વ્યાપક બની રહ્યો છે
બી12ની ખામી પણ ઇન્સ્યુલીનની ઉણપ - ડાયાબિટીસ નોતરી શકે
કુલ વસતીના 11 ટકા લોકો ડાયાબીટીસનો ભોગ બનેલા છે તેવા વિશ્વની ડાયાબીટીસના કેન્દ્રબિંદુ એવા ભારતમાં તાજેતરના વર્ષોમાં 40 વર્ષથી નીચેના લોકોમાં મધુમેહની બીમારીના પ્રમાણમાં 50 જેટલી વૃદ્ધિ જોવા મળી રહી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. ભારતમાં અત્યારે લગભગ 7.42 કરોડ લોકો શરીરમાં શર્કરાની માત્રા જાળવવા માટે જરૂરી એવા ઇન્સ્યુલીનની ડામાડોળ સ્થિતિનો ભોગ બનેલા છે.
ભારતની 11 ટકા વસતી ડાયાબીટીસના સકંજામાં
મુંબઈ ખાતે યોજાયેલા એક આરોગ્ય પરિસંવાદમાં બોલતા યુનાઇટેડ કિંગડમની નેશનલ હેલ્થ સર્વિસના એન્ડોક્રિનોલોજિસ્ટ હેમા વેંકટરમને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ભારતની 11 ટકા વસતી ડાયાબીટીસનો ભોગ બની ચુકી છે પણ હવે આ રોગ માત્ર મોટી ઉંમરના લોકો સુધી સીમિત રહ્યો નથી. વર્ષ 2002થી 2016 વચ્ચે 35 વર્ષથી નીચેની ઉંમરના લોકોમાં ટાઈપ ટુ ડાયાબીટીસના પ્રમાણમાં 50 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે એમ તેમણે જણાવ્યું હતું. ટાઈપ ટુ ડાયાબીટીસ ટુ એટલે મધુમેહનો એવો પ્રકાર કે જેમાં શરીર માટે ઇન્સ્યુલીનનું ઉત્પાદન થતું નથી અથવા તો ઇન્સ્યુલીન સામે શરીર પ્રતિકાર કરે છે.
ભારતના વયસ્ક લોકોમાંથી 39 ટકામાં ડાયાબીટીસની સમસ્યા
લેબ ટેસ્ટીંગ સાથે જોડાયેલી અન્ય એક ખાનગી કંપનીએ સંસોધનમાં જણાવ્યું હતું કે ભારતના વયસ્ક લોકોમાંથી 39 ટકામાં ડાયાબીટીસ જોવા મળી રહ્યું છે અને લગભગ 40.3 ટકા લોકો એવા છે કે જે ડાયાબીટીસની નજીક છે કે તેમના ઉપર ડાયાબીટીસનું જોખમ છે. હેમા વેંકટરમને વધુમાં જણાવ્યું હતું કે 20 વર્ષથી વધુ ઉંમરના લોકો ઉ૫૨ બાકીના જીવનમાં ડાયાબીટીસનો રોગ લાગુ પડી શકે તેના જોખમનું પ્રમાણ અત્યારે 50 જેટલું છે. વધતી ઉંમર અને વજન સાથે આ જોખમનું પ્રમાણ પણ ઊંચું જઈ શકે છે. મહિલાઓ કરતા પુરુષોમાં જોખમ વધારે છે.
પોતાના સ્વાસ્થ્યથી અજાણ હોવું ભારે પડી શકે છે.
આ ઉપરાંત દર્દીઓ પોતાના સ્વાસ્થ્યથી અજાણ હોવાથી ડાયાબીટીસ છે કે નહી તેનો ખ્યાલ હોતો નથી. આથી ડાયાબીટીસ થઇ ગયા પછી હૃદય, કીડની અને લીવરના રોગો વધે છે. ઇન્ટરનેશનલ ડાયાબીટીસ ફેડરેશનના અભ્યાસ અનુસાર અન્ય કોઈ બીમારીની સારવાર દરમિયાન ડાયાબીટીસ હોવાનું જાણ થઇ હોય એવા 10માંથી 7 દર્દીઓ હોય છે. વધુ એક અભ્યાસ અનુસાર 40થી નીચેની વયના 25થી 30 ટકા લોકોમાં ડાયાબીટીસ હોવાનું લેબ ટેસ્ટ પછી બહાર આવે છે.