1918માં સ્પેનિશ ફલૂ ફેલાતા વિશ્વમાં 5 કરોડ લોકોના મોત થયા હતા
ભારતમાં માત્ર બે વર્ષમાં ફલૂના પ્રકોપથી 1.70 કરોડ લોકોના મોત થયા હતા
1918માં સ્પેનિશ ફલૂનો વાયરસ પ્રથમ વાર અમેરિકાના કન્સાસમાં જોવા મળ્યો હતો
વિશ્વના 195 થી વધુ દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ (કોવિડ-૧૯) થી દુનિયામાં ભયનો માહોલ ઉભો થયો છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં આજથી ૧૦૦ વર્ષ પહેલા સ્પેનિશ ફલૂ તરીકે ઓળખાતા ઇન્ફલુએન્ઝાથી ૫ કરોડ લોકોના મોત થયા હતા. સદી પહેલા સૂચના અને પ્રસારણ માટે આજના જેવા અધતન સાધનો ન હોવાથી મરણના આંકડામાં મતભેદ અને તફાવત જોવા મળે છે. કેટલાક દસ્તાવેજો તો મરણનો આંક ૮ થી ૧૦ કરોડ પણ દર્શાવે છે. એ સમયે વિશ્વની વસ્તી ૧.૮ અબજ આસપાસ હતી એની સરખામણીમાં મરણનો આંકડો કાંઇ નાનો સૂનો નથી.
સ્પેનિશ ફલૂ દરિયાના વેપારી માર્ગો પર જહાજો દ્વારા ફેલાયો હતો
ઇન્ફલૂએન્ઝા તરીકે ઓળખાતા સ્પેનિશ ફલૂમાં પણ છીંક, ખાંસી, નાકમાંથી પાણી વહેવું અથવા તો બંધ થઇ જવું, શરીરમાં દુખાવો, સ્નાયુ જકડાઇ જવા, તાવ તથા ઝાડા વગેરે લક્ષણો જોવા મળતા હતા. ૧૯૧૮માં સ્પેનિશ ફલૂ વાયરસ જાન્યુઆરી મહિનામાં અમેરિકાના કન્સાસ પ્રાંતમાં તેનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ વાયરસે માત્ર બે જ વર્ષમાં કાળો કેર વરતાવ્યો હતો. સ્પેનિશ ફલુથી અમેરિકામાં આ વાયરસ ૭ લાખ જયારે બ્રિટનમાં ૨.૨૫ લાખના મોત થયા હતા. વર્તમાન સમયમાં વિદેશગમન માટે એરલાયન્સની સુવિધા છે પરંતુ એ જમાનામાં માલસામાનની હેરફેર અને મુસાફરી દરિયામાં જહાજો દ્વારા થતી હતી. આ જહાજોમાં દિવસો સુધી બેસીને લોકો એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા હોવાથી માનવીઓ વચ્ચેનો સંપર્ક ગાળો પણ વધારે રહેતો હતો. સ્પેનિશ ફલૂ દરિયાના વેપારી માર્ગો પર જહાજો દ્વારા દુનિયામાં એક સ્થળેથી બીજા સ્થળે ફેલાયો હતો.
વિશ્વયુધ્ધની સૈન્ય ટુકડીઓ પણ સ્પેનિશ ફલૂ ફેલાવવાનું નિમિત્ત બની હતી
૧૯૧૪ થી ૧૯૧૯ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ થયું જેમાં અંદાજે ૨ કરોડ જયારે વિશ્વયુધ્ધ પછી ફેલાયેલા સ્પેનિશ ફલૂથી વિશ્વમાં અઢી ગણા વધારે મોત થયા હતા. વિશ્વયુદ્વની અગનજવાળાઓમાં દાઝયા પછી પણ માનવજાતને શાંતિ મળવાની ના હોય એમ દુનિયા રાક્ષસી વાયરસના પંજામાં સપડાઇ હતી. એ સમયે લાંબા અંતર કાપવા માટે ઝડપી મુસાફરી ન હતી પરંતુ વિશ્વયુધ્ધના કારણે માણસોનું મોટા પાયે સ્થળાંતર અને સૈનિક ટુકડીઓની એક સ્થળેથી બીજા સ્થળે અવર જવર વધારે થવાથી સ્પેનિશ ફલૂ વાયરસને દુનિયાના ખૂણે ખૂણે પહોંચવાની તક મળી હતી.
૧૯૧૮ ઓકટોબરમાં સ્પેનિશ ફલૂ ભારતમાં દેખાયો હતો
ભારતમાં પશ્ચિમ કાંઠે મુંબઇમાં પ્રથમ વાર ઓકટોબર માસમાં દસ્તક દીધી હતી. ઉત્તર અને મધ્ય ભારત સૌથી વધુ ભોગ બન્યું પરંતુ પશ્ચિમ કાંઠે સૌથી વિકટ સ્થિતિ હતી. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આ રોગને કોગળિયું તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ભારતના કુલ ૯ પ્રોવિન્સના ૨૧૩ જિલ્લાઓમાં સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો. સેનેટરી કમિશ્નનર ૧૯૧૮ના અહેવાલ મુજબ મુંબઇ પ્રેસિડેન્સીમાં પ્રતિ હજારે ૫૫ લોકો સંક્રમિત થયા હતા જયારે કલકતા અને મદ્રાસ સ્ટેટમાં પણ સેંકડો લોકો વાયરસ સંક્રમણનો ભોગ બન્યા હતા. ભારતમાં આ વાયરસના પ્રકોપથી ૧.૭૦ કરોડ લોકોના મુત્યુ થયા હતા. આથી જ તો એ પછીના બે વર્ષમાં ભારતમાં વસ્તીના પ્રમાણમાં ૫ થી ૧૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
સ્પેનિશ ફલુમાં ફેફસાના ઇન્ફેકેશન સામે માનવજાત લાચાર હતી
૧૦૦ વર્ષ પહેલા આતંક મચાવનારા સ્પેનિશ ફલૂના હુમલાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડી જતી હતી. સાયકોટિન સ્ટૉમ નામનું રિએકશન આવતું જેનાથી ફેંફસામાં પાણી ભરાઇ જતું હતું. સ્પેનિશ ફલૂ સામે માણસ જાત લાચાર હતી. સારવાર માટેની કોઇ દવા કે અટકાવવા માટેની રસી ઉપલબ્ધ ન હતી. એ સમયે પણ સારી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકો ફલૂ થયો હોય છતાં જીવતા રહેતા હતા.આ મહામારી દરમિયાન પણ લોકોમાં માસ્ક પહેરવાનું ચલણ વધ્યું હતું. અમેરિકાના ન્યૂયોર્ક જેવા શહેરોમાં કન્ડકટર હોય કે સ્વીપર માસ્ક પહેરીને જ ડયૂટી કરતા નજરે પડતા હતા. બે વર્ષ પછી આપમેળે જ સ્પેનિશ ફલૂનો પ્રભાવ ક્રમશ ઓછો થયોે હતો પરંતુ ત્યાં સુધીમાં તો સેંકડો જીંદગીઓ તબાહ થઇ હતી.
સ્પેનિશ ફલૂથી વૃધ્ધો કરતા યુવાનોનો વધારે મોત થયા હતા
કોરોના વાયરસનો ભોગ વૃધ્ધો બની રહયા છે પરંતુ ૧૦૦ વર્ષ પહેલા સ્પેનિશ ફલૂની મહામારીમાં મૃતકોની સરેરાશ ઉંમર ૫૦ વર્ષની હતી જયારે વૃધ્ધો આ વાયરસનો શિકાર ઓછા બન્યા હતા. એવું માનવામાં આવે છે કે આ વૃધ્ધો ૧૮૩૦માં ફેલાયેલા ફલૂના બીજા એક સ્વરુપનો પ્રતિકારનો અનુભવ ધરાવતા હતા. સ્પેનિશ ફલૂએ અમેરિકા, યૂરોપ, આફ્રિકા તથા એશિયાના વિવિધ ભાગો સહિત દુનિયાની એક તૃતિયાંશ વસ્તીને આવરી લીધી હતી. શહેરોમાં સ્કૂલ, થિએટર અને બિઝનેસ સાવ ઠપ્પ થઇ ગયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં અંધશ્રધ્ધા, દોરા,ધાગા અને પ્રલયની વાતો વહેતી થઇ હતી.
કબર ખોદવાવાળાની ટીમ રાત દિવસ મહેનત કરતી હતી
૧૯૭૦માં ઇતિહાસકાર અને જર્નાલિસ્ટ રિચર્ડ કૉલિયરે આ પત્રો સંગ્રહાલયને આપ્યા હતા. જેમાં અનેક લોકોએ લખ્યું છે કે એ ભયાનક પળ હતી જેમાં પરીવારમાંથી હવે કોણ નહી હોય એ કોઇ કહી શકતું ન હતું. લેસ્ટરના પાદરીના એક પુત્રએ લખ્યું હતું કે મારા પિતા અંતિમ સંસ્કાર માટે ગયા પછી ત્યાંજ સુઇ રહેતા હતા કારણ કે વાયરસ પોતાના ઘરે પત્ની અને આઠ બાળકોને લાગે તેવું ઇચ્છતા ન હતા. કબર ખોદવાવાળાની ટીમ રાત દિવસ મહેનત કરતી તો પણ પહોંચી વળતી ન હતી.
સ્પેનિશ ફલૂએ માનસિક ભય પણ પેદા કર્યો હોવાથી હત્યા અને આત્મહત્યાના ખટલા અદાલતો સુધી ચાલતા હતા. ૬ નવેમ્બર ૧૯૧૯માં હાર્ટલપૂલ નોર્થ ડેઇલી અખબારના જણાવ્યા અનુસાર એક નાગરિકે પત્ની અને બાળકોની હત્યા કર્યા પછી ગળેફાંસો ખાધો હતો. સ્પેનિશ ફલૂના કારણે જ વિકસિત દેશોમાં જાહેર આરોગ્યની સિસ્ટમ વિકસી હતી. આવી મહામારી ફરી પાછી આવી શકે છે એ બાબતે સરકારી તંત્રો અને વૈજ્ઞાાનિકો વધુ સજાગ થયા હતા.