સ્વાઈન ફ્લુની દવાથી થશે કોરોનાની સારવાર, મળી શકે છે મંજૂરી
પેરામિવિરના સેવનથી ડાયેરિયા, સીરમ ગ્લુકોઝ વધવો, ઉંઘ ન આવવી, કબજિયાત, તણાવ, રેશિસ, ભ્રમણા વગેરેનું જોખમ માટે ડોક્ટર્સનું મોનિટરીંગ જરૂરી
નવી દિલ્હી, તા. 3 જૂન 2020, બુધવાર
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે પરંતુ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે તે એક રાહતની વાત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 48.07 ટકા થઈ ગયો છે. ડોક્ટર્સે કેટલીક એવી દવાઓના કોમ્બિનેશનની મંજૂરી આપી છે જેથી દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક દવાને ભારતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે મંજૂરી મળી શકે છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ત (ICMR)એ સૌથી પહેલા હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના ઉપયોગને મંજૂરી આપી હતી અને ત્યારબાદ ઈબોલાની સારવાર માટે વપરાતી રેમડેસિવિર દવાનને મંજૂરી આપેલી ત્યારે હવે પેરામિવિર નામની વધુ એક દવાને પણ મંજૂરી મળી શકે છે. અમેરિકી ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પણ આ દવાને માન્યતા આપી છે. આ દવાનો ઉપયોગ સ્વાઈન ફ્લુ અને તેના જેવી બીમારીઓને રોકવા કરવામાં આવે છે.
આ એન્ટીવાયરલ દવાનો ઉપયોગ ફક્ત ઈમરજન્સી વખતે અને ડોક્ટર્સના મોનિટરીંગમાં જ કરી શકાય છે. અમેરિકી કંપની બાયોક્રિસ્ટ ફાર્મસ્યુટિકલ્સ નામની કંપની આ દવાનું ઉત્પાદન કરે છે. 2008થી આ દવાની ટ્રાયલ શરૂ થયેલી અને ડિસેમ્બર 2014માં તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળેલી. આ ખૂબ જ અસરકારક એન્ટીવાયરલ દવા છે અને મોટાભાગે H1N1 ઈન્ફ્લુએન્ઝા એટલે કે સ્વાઈન ફ્લુની સારવારમાં તેનો ઉપયોગ થાય છે. ચીન,જાપાન અને દક્ષિણ કોરિયાએ પણ પેરામિવિર દવાને માન્યતા આપેલી છે અને ત્યાં તે પેરામિફ્લુ તરીકે ઓળખાય છે.
ડાયેરિયા, સીરમ ગ્લુકોઝ વધવો, ઉંઘ ન આવવી, કબજિયાત, તણાવ, રેશિસ, ભ્રમણા વગેરે આ દવાની સાઈડ ઈફેક્ટ્સ હોવાથી સમગ્ર વિશ્વમાં ડોક્ટર્સના મોનિટરીંગમાં તેનો ઉપયોગ થાય છે. આ દવા વાયરસને સંક્રમિત કોષમાંથી અન્ય કોષમાં જતા રોકે છે અને સાથે જ નવા કોષ પર વાયરસના હુમલાને અટકાવે છે.