જાણો, કેવી રીતે ઘરે રહીને જ કોરોના વાયરસને માત આપશો?
- નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું કોરોનાની સારવારમાં કેવી રીતે સેલ્ફ-આઇસોલેટ થવું?
મેરીલેન્ડ, તા. 14 જૂન 2020, રવિવાર
કોરોના વાયરસને લઇને લોકોના મનમાં કેટલાય પ્રશ્નો ઉઠી રહ્યા છે. ન માત્ર આ બીમારી પરંતુ તેની સારવાર અને તેનાથી થતા ખર્ચથી પણ લોકો પરેશાન થઇ રહ્યા છે. એવામાં અમેરિકાની મેરીલેન્ડ યૂનિવર્સિટી અપર ચેસાપીક હેલ્થના ડોક્ટર ફહીમ યૂનુસે લોકોની પરેશાની દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ડૉ. ફહીમે જણાવ્યું કે લોકો કેટલીક બાબતોનું પાલન કરે તો ઘરમાં જ રહીને તેઓ ઇન્ફેક્શનને હરાવી શકે છે. તેમણે દાવો કર્યો કે ઘરે જ યોગ્ય નિયમોનું પાલન કરીને 80 થી 90 ટકા લોકો ઠીક થઇ શકે છે.
રૂમ અને બાથરૂમ અલગ કરી દો
ડૉ. ફહીમે જણાવ્યું કે સૌથી પહેલા ઇન્ફેક્શન થવા પર પોતાની જાતને 14 દિવસ માટે અલગ કરી લો. આ દરમિયાન અલગ રૂમમાં રહો, અલગ બાથરૂમનો ઉપયોગ કરો અને પોતાના વાસણ પણ અલગ રાખો. જો એક જ રૂમ હોય તો મોટા પડદાથી વચ્ચે દીવાલ ઉભી કરી ડિસ્ટન્સ જાળવી શકો છો. જો બાથરૂમ પણ એક જ છે તો જતા પહેલા ફેસમાસ્ક પહેરો અને ઉપયોગ કર્યા બાદ સર્ફેસ સાફ કરો. જો રૂમ શેર કરી રહ્યા છો તો સ્ટીમ, નેબ્યુલાઇઝર, સીપેપ શેર ન કરશો.
દવાઓને લઇને મૂંઝવણ ન અનુભવો
તેમણે જણાવ્યું કે મોટાભાગના કેસમાં માત્ર paracetamol અથવા ibuprofen જોઇએ છે.. એન્ટીબાયોટિક્સની જરૂર નથી. શક્ય હોય તો દરરોજ તાપમાન, શ્વાસ, પલ્સ અને બીપી માપતા રહો. મોટાભાગના સ્માર્ટફોન્સમાં પલ્સ ઑગ્ઝિમેન્ટ્રી એપ હોય છે. જો તેમાં ઑક્સિજન 90 નીચે હોય અથવા બીપી 90 સિસ્ટોલિક નીચે જાય, તો ડૉક્ટર સાથે વાત કરો. 60 થી 65 વર્ષની ઉંમરમાં હાઇ બીપી, મોટાપો, ડાયાબિટીસ જેવા રોગ ધરાવતા લોકોને કોરોનાનું જોખમ વધારે રહે છે.
ધીરજ જાળવો
ઇન્ફેક્શનમાં આઇસોલેશન સાથે સંકળાયેલી એક મહત્ત્વની બાબતે ડૉ. ફહીમે જણાવ્યું છે કે આ દરમિયાન એવા કામ કરો જેથી મનને શાંતિ મળે અને એન્ઝાયટીમાં ઘટાડો થાય. રિકવરીમાં 2-3 અઠવાડિયા લાગી શકે છે. એટલા માટે યોગ્ય સમયે યોગ્ય ખોરાક લો, પૂરતી ઊંઘ લો. જો તમારું સ્વાસ્થ્ય વધારે બગડી રહ્યુ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો અથવા હોસ્પિટલ જાઓ. પરિવારના સભ્યોથી દૂર રહો અને તેમને કોરોનાથી બચાઓ. મોટાભાગના કેસમાં મૃત્યુની શક્યતાઓ 1 ટકાથી પણ ઓછી છે.
શું ન કરો
ડૉ. ફહીમે Actemra/plasma/remdesivir જેવી એક્સપેરિમેન્ટલ દવાઓ પર પોતાનું સમય, પૈસા ખર્ચ ન કરવાની સલાહ આપી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ઔષધિઓ, ઝિન્ક વગેરે પર સ્ટડી કરવામાં આવી નથી, તેનો ઉપયોગ ન કરશો. COVIDના દર્દીઓ પર zithromax/HCQ/વિટામિનનો ઉપયોગ કરવામાં આવતો નથી. જો તમારી પરિસ્થિતિ સુધરતી હોય તેવું જણાઇ રહ્યું છે તો તમે ઠીક થઇ રહ્યા છો. કોવિડ ટેસ્ટ ફરીથી કરાવવાની જરૂર નથી.
લક્ષણ જાણ્યાના 14 દિવસ પછી 3 દિવસ સુધી સતત દવા પીધા વગર કોઇ લક્ષણ જોવા ન મળે તો સમજવું તમે હવે સ્વસ્થ થઇ રહ્યા છો. તેઓ પ્લાઝમા ડૉનેટ કરે. શક્ય છે કે હવે વાયરસ સામે લડવા માટેની ઇમ્યૂનિટી પ્રાપ્ત થઇ ગઇ હશે પરંતુ તે ફરીથી ઇન્ફેક્શન થશે કે નહીં તે વિશે કોઇ પુરાવા મળી શક્યા નથી.