કયા વિટામિનની ઊણપથી કઈ બીમારી થાય છે? આખુ લિસ્ટ જાણીને દૂર કરી શકશે તકલીફ
Vitamin Deficiency: શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા એવા પણ રોગ છે કે જે શરીરમાં વિટામીનની ખામીના કારણે થતા હોય છે. માનવ શરીરની ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાથી માંડીને હાડકાં, દાંત, સ્નાયુઓ, ચામડી વગેરે યોગ્ય રીતે કામ કરે તે માટે વિટામિન્સની જરૂર પડે છે. જેથી આજે કયા વિટામિનની ઉણપથી કયો રોગ થઈ શકે છે તે વિષે જાણીશું.
વિટામિન શું છે?
વિટામિન અને મિનરલ્સ શરીરને પોષકતત્ત્વો પૂરા પાડે છે. આ ખોરાકનો એ અંશ છે કે જેની દરેક જીવની જરૂરીયાત હોય છે. શરીરને સ્વસ્થ રાખવા અને તેના વિકાસ માટે વિટામિન્સ ખૂબ જ જરૂરી છે. તે શરીરની કોશીકાના કાર્ય, વિકાસ અને વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે, જે શરીરને યોગ્યરીતે કામ કરવામાં મદદરૂપ થાય છે. તો જોઈએ કે ક્યાં વિટામિનની ખામીથી કયો રોગ થાય છે.
વિટામીન A
વિટામિન A ડેરી ઉત્પાદનો અને લીલા શાકભાજી માંથી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. જેના કારણે સ્નાયુઓ, હાડકાં, દાંત, વાળ, નખ અને આંખો સ્વસ્થ રહે છે. જો શરીરમાં વિટામિનની ઉણપ હોય તો આંખોની રોશની નબળી પડી શકે છે.
વિટામિન B
ખોરાકમાં નારંગી, લીલા વટાણા અને ચોખા વગેરેનું સેવન કરવાથી વિટામિન B ભરપૂર માત્રામાં મળી રહે છે. તેમજ વિટામિન B ની ઉણપથી બેરી-બેરી નામની બીમારી થાય છે.
વિટામિન B1
વિટામિન B1 શરીરમાં મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, તે પાચન પ્રક્રિયામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વિટામિન B6
વિટામિન B6 પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને લાલ રક્ત કોશિકાઓ માટે જરૂરી વિટામિન છે. તે માંસ, માછલી, કેળા, બટેટા અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
વિટામિન B12
વિટામિન B12ની ઉણપને કારણે નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે. ખોરાકમાં ડેરી ઉત્પાદનો, નારંગી અને કેળા વગેરેનું સેવન કરવાથી વિટામીન B12 ભરપૂર માત્રામાં મળે છે.
વિટામિન C
વિટામિન C રોગપ્રતિકારક તંત્ર માટે મહત્વપૂર્ણ છે. આ વિટામિન યોગ્ય માત્રામાં ન મળવાથી શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેમજ વિટામિન Cની ઉણપથી સ્કર્વી નામની બીમારી થાય છે. આથી શરીરમાં વિટામિન Cની માત્રા જાળવી રાખવા માટે સાઇટ્રસ ફળોનું સેવન કરવું જોઈએ.
વિટામિન D
વિટામિન Dની ઉણપના કારણે હાડકાં નબળાં પડી જાય છે. વિટામિન D મેળવવા માટે સવારના સમયે સૂર્યપ્રકાશ લેવો જોઈએ.
વિટામિન E
વિટામિન Eની ઉણપથી શરીરમાં પ્રજનનક્ષમતા ઓછી થઇ શકે છે. આ સિવાય વિટામિન E ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું, શરીરને એલર્જીથી બચાવવાનું અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે. બદામ, સરસવ, ડ્રાઈફ્રૂટ્સ, બીટ, પાલક, સોયાબીન માંથી વિટામિન E મળી રહે છે.
વિટામિન K
વિટામિન K ની ઉણપથી રક્તસ્ત્રાવ જેમાં ઉલટી અને મળમાં પણ રક્તસ્રાવ થઈ શકે છે. વિટામિન Kની ઉણપ માંસ અને માછલી ખાવાથી સરળતાથી પૂરી કરી શકાય છે.
ડીસ્ક્લેમર- વિટામિનની ખામી વિષે જાણવા માટે એકવાર ડોક્ટરનો પરામર્શ કરવો જરૂરી છે.