હવે સલૂનમાં પણ ખતરો! યુપીના એક ગામમાં 64 લોકો ખતરનાક બીમારીની ઝપેટમાં, વાળંદની બેદરકારીની આશંકા
Hepatitis B and C spreading in Salons: આજકાલ હેપેટાઇટિસ B અને C જેવા ગંભીર રોગોનું જોખમ ઘણું વધી ગયું છે. હવે હેપેટાઇટિસ B અને C માત્ર લોહીના સંપર્કથી કે સંક્રમિત ઇન્જેક્શનથી જ નહીં, પરંતુ રોજિંદી આદતો અને બેદરકારીથી પણ ફેલાઈ રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક જ ગામના 64 લોકોમાં હેપેટાઇટિસ B અને C ના કેસ જોવા મળ્યા છે. આ પાછળનું કારણ સલૂનમાં વાળ કપાવવા કે શેવિંગ કરાવવાનું માનવામાં આવે છે.
ઘણીવાર વાળંદ બ્લેડ અને કાતરને બરાબર સેનિટાઈઝ કર્યા વિના જ ફરીથી ઉપયોગમાં લેતા હોય છે, જેના કારણે વાઈરસ અન્ય લોકોમાં ફેલાઈ છે. તેથી, હવે જ્યારે તમે સલૂન જાઓ, ત્યારે કેટલીક જરૂરી સાવચેતીઓ ચોક્કસપણે અપનાવો, જેથી આવા રોગોના જોખમથી બચી શકાય.
કાતર-રેઝરથી લાગી શકે છે ઇન્ફેકશન
હેપેટાઇટિસ B અને C બંને ખૂબ જ ખતરનાક રોગ છે, જે લીવરને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે વાયરલ ઇન્ફેક્શન લોહીના સંપર્ક, ઇન્જેક્શન કે શારીરિક સંબંધથી ફેલાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સલૂનમાં સેનિટાઇઝ કર્યા વિનાના રેઝર, કાતર કે બ્લેડથી પણ આ ઇન્ફેક્શન ફેલાયું છે. ખાસ કરીને એવી જગ્યાઓ પર જ્યાં વાળંદ એક જ રેઝરનો ઉપયોગ ઘણા લોકો પર કરે છે, ત્યાં આ જોખમ વધુ વધી જાય છે.
વાળંદની એક બેદરકારી અનેક લોકોનો જીવ જોખમમાં મૂકી શકે છે
જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ શેવિંગ અથવા હેરકટ કરાવવા આવે છે અને તે પછી તે જ રેઝર કે બ્લેડ બીજા ગ્રાહક પર યોગ્ય રીતે સેનિટાઇઝ કર્યા વગર જ વાપરવામાં આવે, તો વાઈરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાવવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. હેપેટાઇટિસ B અને C જેવા વાઈરસ નાનામાં નાના ઘા અથવા કાપ દ્વારા પણ શરીરમાં પ્રવેશી શકે છે. જો વાળંદ નવી અથવા ડિસ્પોઝેબલ (એકવાર વાપરીને ફેંકી દેવાના) બ્લેડનો ઉપયોગ ન કરે, અથવા રેઝર-કાતરને યોગ્ય રીતે સેનિટાઇઝ ન કરે, તો ચેપ લાગવાનું જોખમ ખૂબ વધી જાય છે.
આ પણ વાંચો: 5 ફૂડ્સ જેના કારણે મગજ નબળું થઇ રહ્યું છે! ભૂલવાની બીમારી વધવાનો ખતરો
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- હંમેશા વાળંદને નવી અથવા ડિસ્પોઝેબલ બ્લેડનો જ ઉપયોગ કરવા માટે કહો.
- એ વાતનું ધ્યાન રાખો કે રેઝર-કાતરને યોગ્ય રીતે સેનિટાઈઝ કરવામાં આવ્યા છે કે નહીં.
- જો શક્ય હોય તો, તમારી પોતાની શેવિંગ કીટ સાથે લઈને જાઓ.
- એવા સલૂન કે વાળંદ પાસે જવાનું ટાળો, જે સ્વચ્છતાનું ધ્યાન રાખતા નથી.
- શેવિંગ કે હેરકટ દરમિયાન નાની ઈજા કે કાપ લાગે તો તરત જ એન્ટિસેપ્ટિક દવા લગાવો.