શરીરની આ સમસ્યાઓ માટે કરવો ગરમ અને ઠંડા પાણીનો શેક
અમદાવાદ, 13 જાન્યુઆરી 2019, રવિવાર
શરીરમાં દુખાવો હોય તો તેના પર શેક કરી અને રાહત મેળવવાનો ઉપાય સૌથી વધારે સરળ છે. શરીરમાં કંઈ વાગ્યું હોય કે સાંધાનો દુખાવો હોય સામાન્ય રીતે ગરમ અને ક્યારેક ઠંડા પાણીનો શેક કરવામાં આવે છે. પરંતુ તેના માટે એ જાણવું જરૂરી છે કે કયા પ્રકારના દુખાવામાં ઠંડા પાણીનો અને ક્યારે ગરમ પાણીનો શેક કરવો જોઈએ.
આર્થરાઈટિસ
ગોઠણ, ખભા, કોણી, આંગળી જેવા સાંધા ઘસાતા હોય અને તેના કારણે દુખાવો થતો હોય તો ગરમ પાણીથી શેક કરવો જોઈએ તેનાથી સ્નાયૂ ઠીલા પડે છે અને દુખાવો દૂર થાય છે.
ગાઉટ
શરીરમાં જ્યારે યૂરિક એસિડનું પ્રમાણ વધી જાય અને પગના અંગૂઠા, કોણી કે એડીમાં અચાનક દુખાવો શરૂ થાય તો ત્યાં બરફથી શેક કરવો જોઈએ. દુખાવો દૂર થઈ જશે.
માથાનો દુખાવો
સ્નાયૂમાં ખેંચાણના કારણે ગળામાં કે માથામાં દુખાવો થાય ત્યારે બરફથી શેક માથા પર કરવો અને ગળા પર ગરમ પાણીનો શેક કરવો.
સ્નાયૂ ખેંચાઈ જવા
સ્નાયૂ ખેંચાઈ જાય અને શરીરમાં દુખાવો થાય અથવા લો કોઈ જગ્યાએ ઘા વાગવાથી લોહી જામી જાય તો તેના પર બરફથી શેક કરવો જોઈએ.
લિગામેન્ટ
ગોઠણ, એડી, કોણી જેવી જગ્યાઓએ લિગામેન્ટ ફાટી જવાથી દુખાવો થતો હોય તો ઠંડા પાણી અથવા બરફથી શેક કરવો જોઈએ.
ટેન્ડીનિટિસ
પગ અને હાથના આંગળાની નસમાં સોજો આવી જાય ત્યારે બરફનો શેક કરવો.
ટેન્ડિનોસિસ
ઘર્ષણના કારણે એડી કે અન્ય સાંધામાં દુખાવો થાય ત્યારે ગરમ પાણીથી શેક કરવો.
શા માટે ગરમ પાણીનો શેક
ગરમ પાણીના શેકથી શરીરની નસોમાં લોહીનો પ્રવાહ વધે છે. સ્નાયૂ ઢીલા પડે છે અને દુખાવામાં રાહત મળે છે.
ઠંડા પાણીનો શેક
બરફથી શરીરની નસ સંકોચાઈ જાય છે. જેના કારણે દુખાવો અને સોજો ઘટે છે.
સાવધાની
ગંભીર રીતે ઘાયલ થયા હોય ત્યારે ગરમ પાણીનો શેક ન લેવો. જ્યારે શરીરમાં બળતરા હોય ત્યારે પણ ગરમ પાણીથી બચવું તેનાથી તકલીફ વધી શકે છે. આ ઉપરાંત જ્યારે ઘા લાગ્યો હોય ત્યારે પણ શેક શરૂ કરી ન દેવો. ઘા લાગ્યાની 6થી 7 કલાક બાદ શેક કરવો જોઈએ.