દેશી ઘી, આદુ અને તજ જેવા ઘરેલૂ ઉપાયથી માઇગ્રેનના દુખાવામાં રાહત મળશે
- જાણો, માઇગ્રેન શું છે? કયા લક્ષણો માઇગ્રેન હોવાની શક્યતા દર્શાવે છે
નવી દિલ્હી, તા. 31 ઑગષ્ટ 2020, સોમવાર
માથાનો દુખાવો ગમે તેવો હોય પરંતુ તે આપણી દિનચર્યાને ખોરવી નાંખે છે. આજકાલની લાઇફસ્ટાઇલમાં બાળકો હોય અથવા તો મોટા લોકો માથુ દુખાવાની ફરિયાદ લગભગ બધાને હોય છે. ક્યારેક ક્યારેક આ દુખાવો વિકરાટ સ્વરૂપ ધારણ કરી લે છે અને માઇગ્રેન થવા લાગે છે જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય કેટલીય સમસ્યાઓ પણ થવા લાગે છે.
શું છે માઇગ્રેન?
માઇગ્રેન માથુ દુખાવાની એક એવી બીમારી છે જેમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આમ તો આ દુખાવો આવતો જતો રહે છે પરંતુ ક્યારેક ક્યારેક તે આખા માથાનો પણ દુખાવો હોઇ શકે છે. આ દુખાવો થોડીક મિનિટથી લઇને થોડાક દિવસ સુધી ચાલુ રહી શકે છે. માઇગ્રેનને એક ન્યૂરોલૉજિકલ સ્થિતિ માનવામાં આવે છે. તેમાં માથાના દુખાવા સાથે જ કેટલાક લોકોને ઉલ્ટી થવાની અથવા શરદી થવા જેવી સમસ્યાઓથી પણ પરેશાન થવું પડે છે.
આ વાતનું પણ ધ્યાન રાખો કે દરેક માથાનો દુખાવો માઇગ્રેન નથી હોતો. જો તમને મોટાભાગે માથાનો દુખાવો થતો રહે છે અને આ સાથે જ અન્ય સમસ્યાઓ પણ આવી રહી છે તો એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસથી લો.
માઇગ્રેનના પ્રકાર?
મેડિકલની દુનિયામાં માઇગ્રેનને સામાન્ય રીતે આનુવંશિક માનવામાં આવે છે અને આ કોઇ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે. માઇગ્રેન બે પ્રકારનું હોય છે, ક્લાસિકલ માઇગ્રેન અને નોન-ક્લાસિકલ માઇગ્રેન. ક્લાસિકલ માઇગ્રેન થવાની પરિસ્થિતિમાં વ્યક્તિને માથાના દુખાવાની શરૂઆત થતા પહેલાં કેટલાક ચેતાવણીભર્યા લક્ષણ જોવા મળે છે. ત્યારે, નૉન-ક્લાસિકલ માઇગ્રેનમાં સમય-સમય પર ખૂબ જ તીવ્ર દુખાવો થવા લાગે છે તેના સિવાયના કોઇ બીજા લક્ષણ જોવા મળતા નથી.
જો કે, બંને પ્રકારના માઇગ્રેનમાં ડૉક્ટરની સલાહ અનુસાર દવા લેવી યોગ્ય રહેશે. માઇગ્રેનના દુખાવામાં પોતાની મરજીથી કોઇ પણ પેઇન કિલર લેવાનું ટાળવું જોઇએ.
માઇગ્રેનનાં લક્ષણ
પોતાના માથાના દુખાવાને માઇગ્રેન સમજતા પહેલા અથવા ડૉક્ટર પાસે જતાં પહેલા એકવાર માઇગ્રેનના લક્ષણ વિશે જાણી લો. તેનાથી તમને પોતાની સમસ્યાને સમજવામાં મદદ મળી શકે છે. જો તમને આ લક્ષણોમાંથી કોઇ પણ લક્ષણનો અનુભવ થઇ રહ્યો છે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય સલાહ લો.
1. ભૂખ ઓછી લાગવી.
2. કોઇ કામમાં મન ન લાગવું.
3. આખા અથવા અડધા માથામાં તીવ્ર દુખાવો થવો.
4. પરસેવો વધુ આવવો.
5. તીવ્ર અવાજ અથવા રોશનીથી ગભરાહટ થવી.
6. ખાવાની કોઇ વસ્તુથી એલર્જી થવી.
7. ઉલ્ટી આવવી અથવા ઉબકા થવા.
8. આંખોમાં દુખાવો થવો.
9. ઝાંખું દેખાવું.
10. નબળાઇ અનુભવવી.
માઇગ્રેનની સારવારમાં કામમાં આવશે આ ઘરેલૂ ઉપાય
કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે લોકો હવે હૉસ્પિટલ જવાનું ટાળતા રહે છે. જો તમને માઇગ્રેનનો અટેક આવી રહ્યો છે પરંતુ તે એટલો બધો તીવ્ર નથી કે ડૉક્ટર પાસે જવું પડે તો ઘરે રહીને જ આ ઘરેલૂ નુસ્ખા પણ અજમાવી શકો છો. દાદી-નાનીના અચૂક ઘરેલૂ ઉપાયની મદદથી તમને દુખાવામાં રાહત મળી શકે છે.
1. દેશી ઘી
માઇગ્રેનનો અસહનીય દુખાવો દૂર ભગાવવા માટે દરરોજ શુદ્ધ દેસી ઘીના 2-2 ટીપાં નાકમાં નાંખો.
2. લવિંગ પાઉડર
માથામાં ખૂબ જ તીવ્ર દુખાવો થઇ રહ્યો છે તો લવિંગ પાઉડરમાં મીઠું નાંખીને દૂધ સાથે પીઓ.
3. આદુ
1 ચમચી આદુના રસમાં મધ મિક્સ કરી લો. આ મિક્સચરને પીવાથી ઝડપી ફાયદો મળે છે. માઇગ્રેનના દુખાવાને દૂર કરવા માટે ચામાં આદુ નાંખીને પીઓ અથવા આદુના ટુકડા મોઢામાં રાખી લો. આદુનું કોઇ પણ સ્વરૂપે સેવન કરવાથી ફાયદો મળે છે.
4. તજ
આ એક એવો મસાલો છે, જે વાનગીનો સ્વાદ વધારવાની સાથે જ માઇગ્રેનની સફળ સારવાર પણ કરે છે. તજને પાણી સાથે દળી નાંખો અને આ પેસ્ટને અડધા કલાક સુધી માથા પર લગાવીને રાખો. જલ્દી આરામ મળશે.
5. મસાજ
તેલને હળવું ગરમ કરી લો. માથાનાં જે ભાગમાં દુખાવો થઇ રહ્યો છે ત્યાં હળવા હાથેથી માલિશ કરાવી લો. હેડ મસાજની સાથે જ હાથ-પગ, ડોક તેમજ ખભાની માલિશ પણ કરાઓ.