બદલાતા વાતાવરણમાં તાવ, ખાંસી, શરદી જેવા ફ્લૂથી કેવી રીતે બચશો? અજમાવો આ ઘરેલૂ ઉપાય
- વરસાદની સીઝનમાં રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થવાથી ફ્લૂ થવાની શક્યતાઓ વધી જાય છે
નવી દિલ્હી, તા. 08 જુલાઇ 2020, બુધવાર
વાતાવરણમાં ફેરફાર થવાની સાથે, ખાસ કરીને વરસાદની સીઝનમાં મોટાભાગે લોકોની તબિયત ખરાબ થઇ જાય છે. લોકો તાવ, ખાંસી, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓથી અસરગ્રસ્ત થઇ જાય છે. એવામાં માનવામાં આવે છે કે વરસાદની ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા થોડીક ઓછી થઇ જાય છે, જેનાથી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને આ વાતાવરણમાં બાળકો અને વડીલોની વધુ સારસંભાળ લેવાની જરૂર છે, કારણ કે તેમની રોગપ્રતિકારક ક્ષમતા યુવાનોની સરખામણીએ ઓછી હોય છે. આ તમામ બીમારીઓથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવી જુઓ, જેનાથી તમે શરદી અને તાવ જેવી બીમારીઓને દૂર રાખી શકશો.
સામાન્ય ફ્લૂના લક્ષણ
પીઠમાં દુખાવો, તાવ, માથામાં દુખાવો, માંસેપેશીઓમાં કળતર થવી, નાક બંધ થઇ જવું, ખાંસી
જો કે કંઇક આ પ્રકારના લક્ષણ કોરોના વાયરસના પણ છે. એટલા માટે બંને વચ્ચે તફાવત શોધવું થોડુંક અઘરું છે. એટલા માટે તમારે એકવાર ડૉક્ટર સાથે વાત કરી લેવી જોઇએ. જાણો વાયરલ તાવ અને ફ્લૂથી બચવા માટે કયા ઘરેલૂ ઉપાય જરૂરી છે.
દૂધમાં હળદર મિક્સ કરીને પીઓ
દૂધ હોય કે પછી હળદર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એવામાં જો તમે આ બંનેને મિક્સ કરીને પીશો તો તેનાથી વધારે ફાયદો થશે. હળદર એન્ટી બાયોટિકનું કામ કરે છે, એટલા માટે તેને દૂધમાં મિક્સ કરીને પીવું ઉત્તમ રહેશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળા ગરમ દૂધમાં થોડીક હળદર મિક્સ કરીને પી જાઓ. આ સ્વાસ્થ્યની સાથે તમને શરદી-ખાંસી અને વાઇરલ ફ્લૂથી પણ બચાવશે.
ચ્યવનપ્રાશ પણ ફાયદાકારક છે
જો કે લોકો દરેક મોસમમાં ચ્યવનપ્રાશ ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ મોસમમાં વધારે ફાયદાકારક સાબિત થાય છે. જડી-બુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ચ્યવનપ્રાશ એક આયુર્વેદિક ઉત્પાદન છે, જે શરદી-તાવથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
શરદી થઇ છે તો નાસ લો
જો તમને શરદી-તાવ અને ખાંસીની સમસ્યા છે તો નાસ લેવો તે સૌથી શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય છે. તેનાથી બંધ નાકની સમસ્યા દૂર થઇ જાય છે અને શરીર જકડાઇ જવામાં પણ રાહત મળે છે. તમે સાદા પાણીનો નાસ લઇ શકો છો અથવા તો ગરમ પાણીમાં ફુદીનાના પાન નાંખીને પણ તેની વરાળ લઇ શકો છો. આ ખાંસીની સાથે સાથે ગળાની ખરાશ અથવા દુખાવાથી પણ રાહત અપાવે છે.