ભારતમાં 6 કરોડ લોકોને બહેરાશની સમસ્યા, તમે પણ હેડફોનમાં ગીતો સાંભળતા હોવ તો આટલું જાણી લેજો
Image Source: Freepik
World Hearing Day 2025: આજે 'વિશ્વ શ્રવણ દિવસ' છે ત્યારે બહેરાશનું વધતું જતું પ્રમાણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો વિષય છે. થોડા દાયકા પહેલા સુધી તેને વૃદ્ધત્વ સાથે આવતી સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે આ સમસ્યા યુવાનો અને બાળકોને પણ અસર કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે ભારતની વસતીના 6.3% અથવા આશરે 6 કરોડ લોકો સાંભળવાની ઓછી ક્ષમતા અથવા બહેરાશથી પીડાય છે. કેટલીક આદતો આ સમસ્યાને વધારી રહી છે.
મેડિકલ રિપોર્ટ દર્શાવે છે કે બહેરાશથી પીડાતા લોકોમાં મોટો ભાગ 0 થી 14 વર્ષની વય જૂથના લોકોનો છે. 2011ની ભારતીય વસતી ગણતરીમાં જણાવાયું હતું કે, 19% વસતીને બહેરાશની સમસ્યા હતી.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, લાઈફસ્ટાઈલ સંબંધિત કેટલીક સમસ્યાઓને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. તાજેતરની એક સ્ટડીમાં સંશોધકોની એક ટીમે જણાવ્યું કે જે લોકો ખૂબ વીડિયો ગેમ્સ રમે છે, હેડફોન અથવા ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ અને મોટા અવાજોના સંપર્કમાં રહે છે તેમની સાંભળવાની ક્ષમતા ઓછી થવાનું જોખમ વધારે હોય છે.
આ પણ વાંચો: આજે વિશ્વ શ્રવણ દિવસ: બહેરાશના કેસમાં ચિંતાજનક વધારો, સિવિલમાં મહિને 158થી વધુ દર્દી
વિશ્વભરમાં વધી રહ્યું જોખમ
WHO એ એક વૈશ્વિક અહેવાલમાં ચેતવણી આપતા કહ્યું કે, 12 થી 35 વર્ષની વયના એક બિલિયન (100 કરોડ)થી વધુ લોકોને સાંભળવાની ક્ષમતા ઓછી હોવી અથવા તો બહેરાશનું જોખમ હોઈ શકે છે. આનું મુખ્ય કારણ ઈયરબડ્સ દ્વારા લાંબા સમય સુધી મોટેથી સંગીત સાંભળવું અને ઘોંઘાટવાળી જગ્યાએ રહેવું માનવામાં આવી રહ્યું છે.
ઈયરબડ્સ અથવા હેડફોનનો ઉપયોગ કરનારા લગભગ 65% લોકો સતત 85 (ડેસિબલ) કરતા વધુ મોટા અવાજે તેનો ઉપયોગ કરે છે. આટલી તીવ્રતાનો અવાજ કાનના આંતરિક ભાગો માટે ખૂબ જ હાનિકારક છે, જે યુવાનોને પણ બહેરા બનાવી રહ્યું છે.
સ્ટડીમાં શું આવ્યું સામે?
BMJ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત આ સ્ટડી WHOના સહયોગથી કરવામાં આવી છે. 50,000 થી વધુ લોકોના અભ્યાસનું વિશ્લેષણ કરતાં ટીમે શોધી કાઢ્યું કે વિડીયો ગેમ્સ રમવાથી ઉત્પન્ન થતો અવાજ અનુમતિપાત્ર મર્યાદાથી ઘણો વધારે હતો.
સામાન્ય લોકો માટે 25-30 ડેસિબલ અવાજ પૂરતો માનવામાં આવે છે, જ્યારે 80-90 ડેસિબલ અવાજ શ્રવણ શક્તિને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. વિશ્લેષણ દરમિયાન એવું જાણવા મળ્યું કે વીડિયો ગેમિંગ દરમિયાન મોટાભાગના લોકોના અવાજનું સ્તર 85 થી 90 ડેસિબલની આસપાસ હતું, જે કાનની સહનશીલતા કરતા ઘણું વધારે છે.
વીડિયો ગેમ અને હેડ ફોનનો મોટો અવાજ ખતરનાક
એક્સપર્ટે કહ્યું કે, વીડિયો ગેમિંગ અને હેડફોનમાંથી નીકળતો મોટો અવાજ સાંભળવાની ક્ષમતામાં ઘટાડાની સાથે ટિનિટસનું જોખમ પણ વધારી રહ્યો છે. ટિનિટસ એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને માથા અથવા કાનની અંદર સતત કોઈને કોઈ પ્રકારનો અવાજ સંભળાતો રહે છે. આ અવાજ રણકતો, ગુંજતો, સિસકારો કરતો અથવા ગર્જના કરતો હોઈ તેવો હોઈ શકે છે.
સ્ટડીમાં જાણવા મળ્યું કે, ટિનિટસ માત્ર માનસિક તણાવ અને ચિંતામાં જ વધારો નથી કરતું, પરંતુ તે કાર્યક્ષમતાને પણ અસર કરે છે. આવા લોકોને એકાગ્રતા અને ઊંઘની સમસ્યા હોય છે, જે તેમની ઉત્પાદકતા પર પણ ગંભીર અસર કરે છે.
શું કહે છે એક્સપર્ટ?
અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના ઈએનટી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ડેનિયલ ફિંક કહે છે કે, વ્યાપક સ્તરે તબીબી અને ઑડિયોલોજી સમુદાયે આ ગંભીર ખતરા પર ધ્યાન આપવાની જરૂર છે. યુવા વસતીમાં ઈયરબડ્સ જેવા ઉપકરણોનો વધતો ઉપયોગ 40 વર્ષની ઉંમર સુધીમાં શ્રવણશક્તિને નબળી પાડી શકે છે.
સાંભળવાની ક્ષમતામાં ઘટાડાને માત્ર કાનની સમસ્યાઓ સુધી જ મર્યાદિત ન હોવી જોઈએ. આવા લોકોમાં ડિમેન્શિયા જેવા મગજ સંબંધિત રોગોનું જોખમ બે ગણું વધી શકે છે. જે લોકો બિલકુલ સાંભળી શકતા ન હતા અથવા બહેરાશના શિકાર હતા તેમને ડિમેન્શિયાનું જોખમ પાંચ ગણું વધારે હતું.