ફરવાનું કરી દો શરૂ કારણ કે વેકેશન પર જવાથી બચી શકાય છે હૃદયની બીમારીથી
ન્યૂયોર્ક, 24 જૂન 2019, સોમવાર
આજકાલ દરેક વ્યક્તિનું જીવન ઘડિયાળના કાંટા પર ચાલે છે. સવારથી લઈ રાત સુધી લોકો સતત ભાગદોડમાં રહે છે. આ દોડધામમાંથી રાહત મળે તે માટે લોકો થોડા દિવસ માટે રજા પર જતા હોય છે. વેકેશનની મજા માણી લોકો કામના સ્ટ્રેસમાંથી મુક્ત થાય છે. જો કે મનોવૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યલક્ષી એક રિપોર્ટમાં વેકેશન માણવાની વાતને સમર્થન આપી જણાવવામાં આવ્યું છે કે વેકેશન પર જવું અને રજા માણવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. વધારે સમય માટે લીધેલી રજાથી ચયાપચયની સમસ્યાના લક્ષણો પણ દૂર થાય છે.
અમેરિકામાં આવેલા સિરૈક્યૂઝ વિશ્વવિદ્યાલયની મદદથી નિષ્ણાંતોએ આ રિપોર્ટ તૈયાર કરી છે. નિષ્ણાંતોના મતે રીસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે જેમણે છેલ્લા 1 વર્ષ દરમિયાન રજા લઈ અને ફરવા જવાનું પસંદ કર્યું છે તેમનામાં ચયાપચયના સિંડ્રોમ ઓછા જોવા મળ્યા. આ સિંડ્રોમ હૃદયની બીમારીઓ માટે જોખમી કારકોનો સંગ્રહ છે. જો કોઈ વ્યક્તિમાં આ સિંડ્રોમ વધારે હોય તો તેને હૃદયની બીમારી થવાનું જોમખ વધી જાય છે. એટલે કે જે વ્યક્તિ વેકેશન માણે છે તેને હૃદયની બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.
ઉલ્લેખનીય છે કે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હૃદયની બીમારીઓનું જોખમ વધારે જોવા મળે છે. કેટલાક રિપોર્ટ અનુસાર હૃદયની બીમારીઓ શહેરમાં રહેતા લોકોને વધારે થાય છે તેનું કારણ તેમની જીવનશૈલી હોય છે.