World Thyroid Day 2020 : જાણો, થાઇરોઇડનું વજન સાથેનું કનેક્શન!
- દર વર્ષે 25મી મેના રોજ વર્લ્ડ થાઇરોઇડ ડે મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 25 મે 2020, સોમવાર
તમે નોટિસ કર્યુ હશે કે સ્વસ્થ અને સંતુલિત ભોજન અને દરરોજ વ્યાયામ કરવા છતા અચાનકથી તમારુ વજન ઝડપથી વધવા લાગે છે. ખાસ કરીને જો તમે મહિલા છો તો આ પ્રકારના લક્ષણમાં તમારે શરીરમાં થાઇરોઇડનું લેવલ ચેક કરાવવું જોઇએ. કારણ કે જો શરીરમાં થાઇરોયડનું લેવલ ઘટી જાય તો અચાનકથી જ વજન વધવા લાગે છે. દર વર્ષે 25મે ના રોજ વર્લ્ડ થાઇરોઇડ ડે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો થાઇરોઇડની બીમારીથી પીડિત છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર દર 10 માંથી 1 મહિલાને હાઇપોથાઇરોઇડિઝ્મ એટલે કે થાઇરોઇડ હૉર્મોન્સમાં ઘટાડો થવાથી સર્જાતી સમસ્યા છે.
શરીરમાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ બટરફ્લાય આકારની હોય છે જે ગળામાં કંઠની નીચે આવેલી હોય છે. આ ગ્રંથિ શરીરમાં બે પ્રકારના હોર્મોન્સનું નિર્માણ કરે છે T3 (થાઇરોક્સિન) અને T4 (ટ્રાયોડોથાઇરોનિન) અને ટીએસએચ એટલે કે થાઇરોઇડ સ્ટિમુલેટિંગ હૉર્મોનને મેઇન્ટેન કરીને રાખે છે.
થાઇરોઇડ ગ્રંથિ શરીરના કેટલાય પ્રકારના કાર્યોને નિયમિત બનાવી રાખવામાં મદદ કરે છે. તેથી જો શરીરના આ અંગોમાં કોઇ પણ પ્રકારની ગડબડી થાય તો શરીરનું સિસ્ટમ સામાન્ય રીતે કાર્ય કરી શકતુ નથી. થાઇરોઇડ બિમારી સામાન્ય રીતે 2 પ્રકારની હોય છે. હાઇપોથાઇરોઇડિઝ્મ જેમાં થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન ઓછું થઇ જાય છે અને હાઇપરથાઇરોઇડિઝ્મ જ્યાં થાઇરોઇડ હોર્મોનનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થવા લાગે છે. રિપોર્ટ્સ અનુસાર હાઇપોથાઇરોઇડિઝમ બીમારીથી પીડાતા લોકોનું અચાનક વજન વધવા લાગે છે.
થાઇરોઇડ અને વજન વચ્ચે શું છે કનેક્શન?
થાઇરોઇડ હોર્મોન શરીરના મેટાબૉલિઝ્નને જાળવી રાખવા માટે જવાબદાર માનવામાં આવે છે. શરીરના મેટાબૉલિઝ્મને મેટાબોલિક રેટના આધારે કાઉન્ટ કરવામાં આવે છે. આ મેટાબોલિક રેટમાં તમારા શરીરની કેટલી ઉર્જા ખર્ચ કરે છે અથવા કેટલી કેલરી બર્ન થઇ છે તે જાણવા મળે છે. આરામ કરતી વખતે પણ આપણું શરીર કેલરી બર્ન કરે છે, કારણ કે આરામ કરતી વખતે પણ શરીરના ફંક્શનને ચાલુ રાખવા માટે ઉર્જાની જરૂર પડે છે. જેને બેસલ મેટાબોલિક રેટ (BMR) કહેવામાં આવે છે.
આ વિશે અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસ અનુસાર જાણવા મળ્યુ છે કે જ્યારે પણ શરીરમાં થાઇરોઇડ હોર્મોનનું લેવલ ઘટવા લાગે છે ત્યારે શરીરમાં બીએમઆર ઓછું થઇ જાય છે અને જ્યારે થાઇરોઇડ હોર્મોનનું લેવલ વધે છે ત્યારે બીએમઆર વધી જાય છે. જ્યારે પણ શરીરમાં બીએમઆર વધવા લાગે છે ત્યારે તે શરીરમાં જમા કરવામાં આવેલી કેલરીનું, સેવન કરવામાં આવેલી કેલરીની સરખામણીમાં વધારે ઝડપથી ઉપયોગ કરવા લાગે છે, જેના કારણે વ્યક્તિની ચરબી સમાપ્ત થવા લાગે છે અને તે વ્યક્તિ એકદમ પાતળુ બની જાય છે.
હાઇપોથાઇરૉઇડિઝ્મને કારણે વધે છે વજન
હાઇપોથાઇરૉઇડિઝ્મના કેસમાં શરીરમાં સામાન્ય માત્રામાં થાઇરોઇડ હોર્મોનમાં ઘટાડો થવા લાગે છે. આ હોર્મોન શરીરના જુદી જુદી ક્રિયાઓ કરવામાં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ સાથે જ બીએમઆર ઓછુ થવા લાગે છે ત્યારે શરીરમાં કેલરીના બર્ન થવાની પ્રક્રિયા પણ ધીમી પડી જતી હોય છે, જેનાથી વ્યક્તિનું વજન ઝડપથી વધવા લાગે છે.
આ સાથે જ કેટલાય રિપોર્ટ્સમાં જાણવા મળ્યુ છે કે હાઇપોથાઇરોઇડિઝ્મના દર્દીઓમાં વજન વધવાની સમસ્યા એટલા માટે પણ હોય છે કારણ કે શરીરમાં મીઠું અને પાણીનું વધારે સંગ્રહણ થવા લાગે છે. હાઇપોથાઇરૉઇડિઝ્મથી પીડિત દર્દીઓમાં કેટલાય લક્ષણ પણ જોવા મળે છે. જેવા કે વધારે ઠંડી લાગવી, સાંધામાં સતત દુખાવો થવો, આળસ અને સુસ્તીનો અનુભવ થવો વગેરે. જો કે, વજન અચાનકથી વધવા લાગે છે.
હાઇપોથાઇરૉઇડિઝ્મથી પીડિત દર્દી એકવાર પોતાની થાઇરોઇડની દવાઓ લેવાનું શરૂ કરી દે છે અને ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલા ડાયેટ અને એક્સરસાઇઝના રૂટીનને ફૉલો કરવા લાગે છે તો ઓછા સમયમાં વ્યક્તિ પહેલાની જેમ નોર્મલ સાઇઝમાં આવી જાય છે. જો દવાઓનું સેવન કર્યા પછી પણ વજન સતત વધતુ રહે છે તો તેનો અર્થ છે કે વજન વધવાનું કારણ માત્ર થાઇરોઇડની બીમારી નથી પરંતુ બીજી કોઇ સમસ્યા પણ છે.