Get The App

ભારતમાં દર બીજો માણસ છે આળસુ: WHOનો ચોંકાવનારો રિપોર્ટ

Updated: Jun 28th, 2024


Google News
Google News
laziness


Un-Healthy India: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતીયો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક અહેવાલ મુજબ, લગભગ અડધા ભારતીયો એટલા આળસુ બની ગયા છે કે તેઓ રૂટીન માટે જરૂરી શારીરિક શ્રમ પણ કરતા નથી. જેના કારણે તેઓ 2030 સુધીમાં ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે. 

આળસ છે ક્રોનિક બીમારીઓનું મુખ્ય કારણ 

WHO અનુસાર દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સપ્તાહમાં ઓછામાં ઓછા 150 મિનીટ ફિઝીકલ એક્ટીવીટી કરવી જરૂરી છે. પરંતુ અડધા પ્રમાણમાં લોકો આ બાબતે આળસુ છે, જેના કારણે તેઓ ક્રોનિક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે. જો લોકો આ ટેવ નહિ બદલે તો લાંબાગાળે તેના ખરાબ પરિણામો જોવા મળી શકે છે. 

60 ટકા લોકોના સ્વાસ્થ્ય પર પડી શકે છે અસર 

એક અહેવાલ મુજબ ભારતમાં લગભગ 57 ટકા મહિલાઓ ખૂબ જ ઓછી ફિઝીકલી એક્ટીવ રહે છે. જયારે 42 ટકા પુરુષો એવા છે જે ખૂબ જ ઓછો શારીરિક શ્રમ કરે છે. વર્ષ 2000માં આ આંકડો 22.3 ટકા હતો જે વધીને 49.4 ટકા થઈ ગયો છે. એવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ જો હજુ પણ ભારતીયો આળસ નહી છોડે તો 2030 સુધીમાં લગભગ 60 ટકા ભારતીયોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. 

વિશ્વના 197 દેશો પર અભ્યાસ કરવામાં આવ્યો

સંશોધકોએ વિશ્વના 197 દેશોમાં 57 લાખ લોકોની ફિઝીકલી એક્ટીવીટી પર અભ્યાસ કર્યો છે. WHO નિષ્ણાતો સહિત આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે વર્ષ 2000 થી 2022 સુધીમાં વસ્તી આધારિત અભ્યાસોનું વિશ્લેષણ કર્યું છે. જેમાં ભારતનો ડેટા મદ્રાસમાં ડાયાબિટીસ સંશોધન સંસ્થા દ્વારા મોકવામાં આવ્યો હતો. જેમાં ફિઝીકલી એક્ટીવ ન રહેવાથી સ્વાસ્થ્ય પર પડતી ખરાબ અસરના મામલામાં દક્ષિણ એશિયા બીજા ક્રમે છે. એશિયા-પેસિફિક પ્રદેશની સ્થિતિ સૌથી ખરાબ છે. 

સમગ્ર વિશ્વમાં ત્રીજા ભાગના લોકો છે અનફિટ 

રિપોર્ટ અનુસાર, 31.3% એટલે કે વિશ્વભરના લગભગ ત્રીજા ભાગના લોકો ફિઝીકલી એક્ટીવ ન હોવાથી અનફિટ છે. સંશોધકોના મતે, 2010માં વૈશ્વિક સ્તરે શારીરિક રીતે સક્રિય ન હોય તેવા પુખ્ત વયના લોકોની સંખ્યા 26.4% હતી, જે 2022માં 5% વધી છે. તેમજ વૈશ્વિક સ્તરે 60 વર્ષ અને તેથી વધુ વયના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ફિઝીકલી એક્ટીવ ન રહેવાનો દર વધી રહ્યો છે. 

સપ્તાહમાં ઓછામાં ઓછા 150 મિનીટ કસરત કરવી જરૂરી 

હેલ્થ એક્સપર્ટ મુજબ દરેક વ્યક્તિએ સપ્તાહમાં ઓછામાં ઓછા 150 મિનીટ ફિઝીકલ એક્ટીવીટી કરવી જરૂરી છે. તેમજ એવું જરૂરી નથી કે જીમ જ જવું, તમે વોક કે પછી જોગીંગ પણ કરી શકો છો. આ સિવાય સાઇકલિંગ, સ્વીમીંગ, રનીંગ જેવી એકસરસાઈઝ પણ કરી શકો છો. જો કે આપણને વધુ પડતી સુવિધાઓ મળી રહેવા છતાં પણ આપણે આટલું પણ નથી કરી શકતા. જેના કારણે જાણતા-અજાણતા ઘણી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ. જે ક્યારેક માનસિક બીમારીઓનું કારણ પણ બની રહે છે. 

ક્રોનિક રોગોનું જોખમ ઘટાડવા માટે કસરત જરૂરી 

જો તમે દરરોજ શારીરિક શ્રમ કે કોઇપણ પ્રકારની કસરત ન કરતા આખો દિવસ બેઠા રહો છો તો ખોરાકમાંથી મળતી એનર્જીનો ફેટ તરીકે સંગ્રહ થશે. જે સ્થૂળતા વધારશે અને તેના કારણે શરીર આપોઆપ ઘણા રોગોનું ઘર બની જશે. શારીરિક રીતે સક્રિય ન રહેવાને કારણે કોલેસ્ટ્રોલ પણ વધશે જે રક્તવાહિનીઓમાં જમા થવા લાગશે અને હ્રદય સંબંધિત બીમારીઓનું કારણ બનશે. આથી એવું કહી શકાય કે થોડી કસરત બ્લડપ્રેશર અને હૃદય રોગ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડી શકે છે.  

ભારતમાં દર બીજો માણસ છે આળસુ: WHOનો ચોંકાવનારો રિપોર્ટ 2 - image

Tags :