મલેરિયા માટે વપરાતી હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવા કોરોનામાં લેવી અત્યંત જોખમી છેઃ ICMR
અમદાવાદ, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર
મલેરિયા માટે વપરાતી દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનામાં ઉપયોગી હોવાનો રિપોર્ટ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ આપ્યો હતો. પરિણામે લોકો જોયા-જાણ્યા વગર એ દવા લેવા લાગ્યા છે. સાથે સાથે એ પણ હકીકત છે કે યોગ્ય તપાસ અને ડૉક્ટરની સલાહ વગર આ દવા લેવી જોખમી અને અમુક કેસમાં જીવલેણ સાબિત થઈ શકે એમ છે. કેમ કે આ દવા એન્ટિ-મલેરિયા પ્રકારની છે.
આ દવાની અનેક સાઈડ ઈફેક્ટ છે, માટે નિષ્ણાત ડોક્ટરો પણ સામાન્ય કિસ્સામાં આવી દવા આપતા નથી. ભારતમાં આ દવાની ડિમાન્ડ વધવા લાગી છે અને સરકારે તેની નિકાસ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.
હાઈડ્રો લેવાથી માથાનો દુઃખાવો, માનસિક તાણ, ચામડી ખેંચાવી, મૂડમાં પરિવર્તન થઈ જવું, સ્વભાવ ચિડિયો થવો, સ્નાયુ ઢીલા પડવા, નાકમાંથી લોહી નીકળવું, આંખે ઓછુ દેખાવુ.. સહિતની ડઝનબંધ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. પરંતુ સૌથી ગંભીર વાત એ છે કે તેનો ઓવરડોઝ હાર્ટને ફેઈલ કરી શકે છેે. આ દવા એન્ટિ વાઈરલ હોવા અંગે પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે. માટે કોરોના જેવા વારસને ઝેર કરવા આ દવા કામ લાગી જ શકે એવુ ખાતરીપૂર્વક કોઈ કહી શકતું નથી.
વળી તબીબોએ અગાઉ વાઈરલ બિમારીઓ જેવી કે ઇબોલા, ઈન્ફ્લુએન્ઝા અને ડેન્ગ્યુના કિસ્સામાં આ દવાનો પ્રયોગ કરી જોયો છે. તેમાં ખાસ સફળતા મળી નથી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ આ દવા લેવાની સલાહ આપી હતી, પરંતુ એ યાદ રાખવાનું કે ટ્રમ્પ ડૉક્ટર નથી.
તેની સલાહ દવા લેવાની બાબતમાં માની ન શકાય. જે આરોગ્ય સંસ્થાઓએ આ દવા લેવાની સલાહ આપી છે એ મર્યાદિત કિસ્સામાં અને ખાસ પ્રકારના લક્ષણ ધરાવતા દરદી માટે છે. કોરોનાની અસર હોય એવા દરેક દરદીને આ દવા આપી શકાય નહીં, કોઈએ પોતાની રીતે લેવી પણ ન જોઈએ.