બાળકોમાં ઉદાસી અને ચિડીયાપણું હોય શકે છે ડિપ્રેશનના લક્ષણ
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2019, બુધવાર
આધુનિક જીવનશૈલીમાં દરેક વ્યક્તિ માનસિક તાણ સહન કરતી હોય છે. આ સમસ્યા એવી છે જેનાથી બાળકો પણ દૂર નથી. બાળકો માનસિક રીતે વયસ્ક કરતાં નબળા હોય છે. તેઓ નાની નાની વાતોને મન પર લઈ લે છે. ઘર ઉપરાંત બહાર તેમની સાથે ઘણીવાર એવું વર્તન થતું હોય છે જેના વિશે તે માતાપિતાને જણાવતા પણ નથી. આ કારણે તેઓ ઉદાસ કે ડિપ્રેસ રહેવા લાગે છે. પરંતુ માતાપિતા બાળકોના આ શરૂઆતના લક્ષણોને ઓળખી અને તેની સમસ્યાને દૂર કરી શકે છે. તો ચાલો જાણો કે બાળકના વર્તનમાં કેવા ફેરફાર થાય છે જે ડિપ્રેશનનું કારણ બની શકે છે.
ઊંઘ ન આવવી
તાણની સૌથી પહેલી અસર બાળકની ઊંઘ પર થાય છે. બાળક રાત્રે ઊંઘી ન શકે, હંમેશા ડરેલું રહે. તો સમજી લેવું કે તેને કોઈ ચિંતા સતાવી રહી છે.
સ્વભાવમાં ફેરફાર
તાણના કારણે બાળકના સ્વભાવમાં પણ ફેરફાર થઈ જાય છે. તે ચિડચિડ કરે છે કે પછી વાત વાતમાં રડે છે. કેટલાક બાળકોને નખ ચાવવાની આદત પણ પડી જાય છે. જો તમારા બાળકમાં પણ આવા ફેરફાર થાય તો તેને તુરંત સમજો અને બાળક સાથે વાતચીત શરૂ કરો.
વધારે કે ઓછું ભોજન
બાળકો તાણના કારણે એંગ્ઝાઈટી અનુભવે છે અને તેના કારણે તે ક્યારેક વધુ જમવા લાગે છે અથવા તો સાવ ઓછું જમે છે. તેઓ ભોજનમાં પોતાનું સુખ શોધવા લાગે છે. ખોરાકની આદતોમાં વિચિત્ર ફેરફાર થાય તો સમજી લેવું કે બાળક તાણમાં છે.
એકાગ્રતાની ખામી
બાળકો અભ્યાસમાં નબળું હોય તો સામાન્ય રીતે માતાપિતા એવું માને છે કે તેનું ધ્યાન અભ્યાસ કરતાં રમત ગમતમાં વધારે છે. પરંતુ ઘણીવાર સ્ટ્રેસના કરાણે પણ બાળક અભ્યાસ પર ધ્યાન આપી શકતું નથી. તેના મગજમાં નેગેટિવ એનર્જી હોય છે તેના કારણે તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.