Get The App

શું મૃતકોના સગા કોવિડ-19ના ડરથી અંતિમ સંસ્કારમાં આવવાનું ટાળે છે ?

સ્પેનમાં અંતિમ સંસ્કારમાં જનારા ૬૦ને કોરોના સંક્રમણ થયું

હોસ્પિટલ અને કબ્રસ્તાનમાં શબોની સંખ્યા સતત વધી રહી છે

Updated: Mar 23rd, 2020

GS TEAM

Google News
Google News
શું મૃતકોના સગા કોવિડ-19ના ડરથી અંતિમ સંસ્કારમાં આવવાનું ટાળે છે ? 1 - image


મિલાન,23 માર્ચ,2020,સોમવાર 

કોરોના વાયરસથી દુનિયામાં તમામ ધર્મો અને સંસ્કૃતિઓના લોકો શિકાર બન્યા છે ખાસ કરીને વાયરસથી માર્યા ગયેલા લોકોમાં સન્માનમાં થતા અંતિમ સંસ્કાર વિધી ના થવા બરાબર જ થાય છે. વાયરસ ફેલાતો રોકવા માટે સગા સંબંધીઓ પણ અંતિમવિધીમાં આવવાનું ટાળી રહયા છે. આર્યલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે તો સ્મશાનમાં ફરજ બજાવતા લોકોને મૃતકના મોં ઉપર પણ માસ્ક લગાવવાની સૂચના આપી છે જેથી કરીને સંક્રમણ થવાનો સેહજ પણ શકયતા રહે નહી. ઇટલીમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી કંપની વીડિયો લિંકનો ઉપયોગ કરી રહી છે જેથી કરીને સગા સંબંધીઓ તેમના મૃતકના અંતિમ સંસ્કાર થયાની ખાતરી થાય. દક્ષિણ કોરિયામાં પણ વાયરસ ફેલાતો રોકવા માટે મૃતકના અંતિમ સંસ્કારમાં આવવાનું ટાળી રહયા છે.  

શું મૃતકોના સગા કોવિડ-19ના ડરથી અંતિમ સંસ્કારમાં આવવાનું ટાળે છે ? 2 - image

અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલી કંપનીઓની મુશ્કેલીઓ વધી રહી છે ઘણી વાર  અંતિમ સંસ્કારમાં ભાગ લેનારાને પછીથી વાયરસનું સંક્રમણ થયું હોય એવુ પણ જોવા મળે છે. સ્પેનના ઉત્તરી શહેર વિકટોરિયામાં ફેબુ્રઆરીના અંતિમ દિવસોમાં આવા બનાવો ધ્યાનમાં આવ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવાયું હતું કે અંતિમ સંસ્કાર કરીને પાછા ફરેલા ૬૦ લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું હતું. ચીની શહેર વુહાનમાં કે જયાંથી વાયરસ ઝડપી ફેલાયો ત્યાં પણ અંતિમ સંસ્કાર માટે ભેગા થવાથી વાયરસ સંક્રમણ વધતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સૌથી કપરી સ્થિતિ ઇટલીની છે જયાં કોરોના વાયરસથી સૌથી વધુ ૫૨૨૫ લોકોના મોત થયા છે. સંક્રમણથી સૌથી પ્રભાવિત શહેરમાં એક બેરગામોના કબ્રસ્તાન લાશોથી ભરેલા રહે છે આથી કર્મચારીઓએ ૨૪ કલાક કામ કરવું પડે છે. બેરગામોમાં ૧.૨ લાખ લોકો રહે છે. આ શહેરમાં અંતિમ સંસ્કાર માટે આર્મીની મદદ લેવામાં આવી રહી છે.

શું મૃતકોના સગા કોવિડ-19ના ડરથી અંતિમ સંસ્કારમાં આવવાનું ટાળે છે ? 3 - image

 ઇટલીની જેમ જ ઇરાનની પણ સ્થિતિ ખૂબજ ગંભીર છે. હોસ્પિટલ અને કબ્રસ્તાનમાં શબોની સંખ્યા સતત વધી રહી છે. તહેરાનના એક કબ્રસ્તાનના પ્રબંધકનું કહેવું હતું કે રાત દિવસ અમે કામ કરીએ છીએ પરંતુ આવી સ્થિતિ કયારેય જોઇ નથી. દફનાવવા માટેના ખાડા ખોદવા માટે નવા માણસોને બોલાવવા પડયા છે. મોટા ભાગના શબ ટ્રકોમાં લઇને ધાર્મિક વિધી વિના જ દફનાવવામાં આવે છે. ઇરાનમાં લોકો એવા પણ આક્ષેપ લગાવી રહયા છે કે કોરોના સંક્રમણનો આંકડો ઓછો દર્શાવવા માટે મૃતકને દફનાવવાની ઉતાવળ કરવામાં આવે છે એટલું જ નહી કોરાનાથી મરતા મૃતકોને હ્વદયરોગ કે બીજી બીમારીઓ હોવાનું પણ જણાવવામાં આવે છે.  ઇરાનમાં કોરોના વાયરસથી મોતની સંખ્યા ૧૫૦૦ને પાર કરી ગઇ છે.

Tags :