શું કોરોના વાયરસ કોબીજના પત્તા પર 25 થી 30 કલાક રહે છે ?
સોશિયલ મીડિયા કોરોનાથી બચવાના વિવિધ નૂસખાઓથી ઉભરાય છે
WHO એ આવી કોઇ એડવાઇઝરી બહાર પાડી હોવાનો ઇન્કાર કર્યો
અમદાવાદ, 5 એપ્રિલ,2020 રવીવાર
કોરોના વાયરસ સંક્રમણથી થતી બીમારીને કોવિડ-19 નામ આપવામાં આવ્યું છે. આ વાયરસે 2020નું નવું વર્ષ શરુ થવાની સાથે જ ચીનમાં આતંક મચાવ્યો હતો, ચીનનું આર્થિક પાટનગર વુહાનને કોરાના વાયરસનું એપી સેન્ટર માનવામાં આવે છે. વિશ્વમાં કુલ 12 લાખથી વધુ લોકો કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બન્યા છે. અમેરિકામાં કોરોના વાયરસ પોઝિટિવ લોકોની સંખ્યા વધીને 2.75 લાખને પાર કરી ગઇ છે. ભારતમાં 3500 થી વધુ કેસો નોંધાયા છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી સંક્રમણની ઝડપ વધી ગઇ છે.
આવી સ્થિતિમાં કોરાના વાયરસ સામે લડવા માટે વિવિધ પ્રકારના નૂસખાઓ અને ઔષધોનો સોશિયલ મીડિયા પર રાફડો ફાટી નિકળ્યો છે. શું ખાવું શું ના ખાવું એ અંગે ઉંટ વૈદા મેસેજ ફરતા થતા રહે છે . લોકોમાં કોરોના વાયરસ માટે કાળજી અને સાવચેતી હોવી જોઇએ તેના સ્થાને ભ્રમ પણ થવા લાગ્યો છે. કઇ વસ્તુ કે સપાટી પર કેટલો ઝડપથી અને કેટલા સમય સુધી વાયરસ રહે છે તેની અફવાઓનું બજાર ગરમ છે. છેલ્લા કેટલાક સમયથી શાકભાજીઓ પર વાયરસની અસર અંગે સલાહ આપવામાં આવે છે. કેટલાક તો શાકભાજીને ડિટરજન્ટ કે સાબુંથી વોશ કરવા લાગ્યા છે. પાણીમાં ઉકાળીને પછી કાપવા લાગ્યા છે. ખાસ કરીને કોરોના વાયરસથી દૂર રહેવા માટે કોબીજનો ઉપયોગ ના કરશો એવો મેસેજ ફરતો થયો છે. કોબીજના પતા પર કોરોના વાયરસ છુપાઇ જાય છે અને સૌથી વધુ 25 થી 32 કલાક રહે છે.
કોબીજના પત્તા અંગેના આ દાવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું પણ નામ જોડવામાં આવે છે. આવી સ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વાતનું ખંડન કરીને આવી કોઇ એડવાઇઝરી જાહેર કરી હોવાનો ઇન્કાર કર્યો હતો. આ પાયા વિહોણી વાત છે અને તેનાથી ભ્રમિત નહી થવા લોકોને અપીલ કરી છે. જો પોતાને કોરોના વાયરસથી બચવું હોયતો એક બીજાથી સલામત અંતર રાખો એ જ ઉપાય છે. થોડાક સમય પહેલા સોશિયલ મીડિયામાં રોગ પ્રતિકારકશકિત વધારવા માટે વારંવાર પાણી પીવાની સલાહ આપવામાં આવતી હતી. દર 15 મીનિટે પાણી પીવા માટે તર્ક આપવામાં આવ્યો છે કે પાણી પીવાથી ગળું સાફ થાય છે અને સંક્રમણ પેટમાં જતું રહે છે. પેટમાં એચસીએલ જેવા એસિડ પ્રકારના પાચકરસો હોવાથી વાયરસ મરી જાય છે આ વાતને પણ વિશ્વ આરોગ્ય સંસ્થા નકારી ચુકી છે.