શું હિટલર પોતાના અંગતમિત્રોને સિગારેટ નહી પીવાની સલાહ આપતો હતો ?
નાઝીઓ વ્યસન માટે યહુદીઓનો મૂડીવાદ જવાબદાર હોવાનો અપપ્રચાર કરતા
હિટલરને યુવાવસ્થામાં રોજની ૩૫ થી ૪૦ જેટલી સિગારેટ પીવાની ટેવ હતી
બર્લિન,૨૭ ફેબુ્આરી,૨૦૨૦,ગુરુવાર
આધુનિક વિશ્વમાં સૌ પ્રથમ તમાકુ વિરોધી ઝુંબેશે જર્મનીમાં નાઝીઓએ શરુ કરી હતી. બન્યું એવું કે ૨૦ મી સદીની શરુઆતમાં જર્મન ડોકટરોએ ધૂમ્રપાનથી ફેફસાનું કેન્સર થતું હોવાનું સંશોધન કર્યું એ પછી જર્મનીમાં ધુમ્રપાન વિરોધી ચળવળનો પ્રારંભ થયો હતો. નાઝીઓની એન્ટિ ટોબેકો ઝુંબેશ જોત જોતામાં સમગ્ર જર્મનીમાં ફેલાઇ હતી.જર્મનીમાં નાઝીઓ સત્તા સંભાળી એ પછી પણ આ ચળવળ સતત ચાલતી રહી હતી. ખાસ કરીને ટ્રામ, સિટી ટ્રેન અને બસમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો તેને હિટલરના આર્શિવાદ મળેલા હતા. એક માહિતી મુજબ હિટલરને યુવાવસ્થામાં રોજની ૩૫ થી ૪૦ જેટલી સિગારેટ પીવાની ટેવ હતી પરંતુ તે નજીકના મિત્રોને હંમેશા ધુમ્રપાનની આદત છોડવાની વાત કરતો હતો.
હિટલરે ધુમ્રપાનથી થતા નુકસાન અંગે સંશોધકોને વધુ સંશોધનો કરવા અંગે પ્રોત્સાહન પણ આપ્યું હતું. જર્મનીમાં લોકોના કામકાજના સ્થળે એન્ટી સ્મોકિંગ સૂત્રો લખવામાં આવતા હતા.આ ઝુંબેશ હિટલર માટે લોકોની સાથે કનેકટ રહેવા માટેનું સાધન પણ બની હતી.નાઝીઓ લોકોને જણાવતા કે યુરોપમાં વધતા જતા તમાકુ અને સિગારેટના વ્યસન માટે યહુદીઓનો મૂડીવાદ જવાબદાર છે. આમ એન્ટી તમાકુ ઝુંબેશ કંઇક અંશે રાજકિય પૂર્વગ્રહનું હથિયાર પણ બની હતી.૧૯૧૨માં જર્મનીમાં બોહેમિનિયમ ઓર્ગેનાઇઝેશન દ્વારા તમાકુ અને ધુમ્રપાનનો તાર્કિક વિરોધ્ધ કરતું જર્નલ જર્મન ભાષામાં પણ બહાર પાડવામાં આવતું હતું.
જર્મનીના હાનોવેર અને ડ્રેસડેન શહેરમાં તમાકુ વિરોધી ગૃપો સૌથી વધુ સક્રિય હતા. જર્મનીની આ ઝુંબેશનો ચેપ ચેકોસ્લોવાકિયા અને ઓસ્ટ્રીયા દેશને પણ લાગ્યો હતો. જર્મનીમાં તમાકુ વિરોધ્ધી ઝુંબેશ છતાં નવાઇની વાત એ છે કે હિટલરના સૈનિકોને તમાકુ તથા સિગારેટની ટેવ હતી. બીજુ વિશ્વયુધ્ધ બાદ જર્મનીમાં નાઝીઓનું પતન થતા અમેરિકાએ પોતાના દેશની સિગારેટ કંપનીઓને જર્મનીના ધૂમ્રપાન માર્કેટમાં ઘુસાડવાનું શરૃ કર્યું હતું.
જો કે ઘણા એવું પણ માને છે કે નાઝીઓની ચળવળ છતાં જર્મનીમાં વ્યસન મુકત બન્યું ન હતું. ૧૯૩૯માં માથાદિઠ સિગારેટનો વપરાશ ૫૭૦ થી વધીને ૯૦૦ સુધી પહોચ્યો હતો. જર્મનીમાં સિગારેટ કંપનીઓ એ પણ આ વિરોધ્ધ અને અવૈજ્ઞાાનિક ઠરાવીને આંદોલનને નબળું બનાવવા ભરપૂર પ્રયાસ કર્યા હતા. બીજુ કે નિગ્રો અને ક્ટલીક જાતિઓને તમાકુના વ્યસન માંથી બહાર લાવવા માટે જાણી જોઇને નાઝીઓએ ખાસ પ્રયાસો કર્યા ન હતા.