World Bicycle Day: દરરોજ સાઈકલ ચલાવવાથી વજન ઘટાડવા સહિત થાય છે અઢળક ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 03 જૂન 2023 શનિવાર
પોતાને સ્વસ્થ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. જોકે વર્તમાન સમયમાં વ્યસ્ત જીવનશૈલીમાં લોકોની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. આ કારણે લોકો ઘણા પ્રકારની ગંભીર બીમારીઓથી ગ્રસ્ત થઈ રહ્યા છે. મેદસ્વીપણાથી દરેક ચિંતિત છે પરંતુ શું તમે જાણો છો કે જો થોડો સમય કાઢીને તમે દરરોજ સાઈકલ ચલાવો તો તમને આનાથી કેટલો ફાયદો થઈ શકે છે. સ્વસ્થ રહેવા માટે સાઈકલ ચલાવવી શ્રેષ્ઠ માર્ગ છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર પણ સાઈકલ ચલાવવાથી સ્વસ્થ રહી શકાય છે.
વજન ઘટાડવામાં મદદગાર
સાઈકલ એક શ્રેષ્ઠ એક્સરસાઈઝ છે. જો તમે જિમ જઈને પોતાનું વજન ઘટાડવા માગતા નથી તો તમે સાઈકલ ચલાવીને પણ વજન ઘટાડી શકો છો. જે તમે દરરોજ 30 મિનિટ કે તેનાથી વધુ સાઈકલ ચલાવો છો તો તમારા શરીર પર જમા વધારાની ચરબી ઘટવા લાગે છે. આની અસર સામાન્યરીતે પેટ અને જાંઘ પર સૌથી વધુ પડે છે. કેમ કે બોડીના આ ભાગમાં સૌથી વધુ મૂવમેન્ટ થાય છે. અડધા કલાક માટે સાઈકલની મુસાફરી કરવાથી લગભગ તમે 300 કિલો કેલેરી બર્ન કરી શકો છો. 1 કલાકની સાઈકલિંગ કરવાથી તમે 500 કિલો સુધી કેલરી બર્ન કરી શકો છો.
હૃદય અને ફેફસા માટે ફાયદાકારક
સાઈકલિંગ એક શ્રેષ્ઠ કાર્ડિયો વર્કઆઉટ છે, જે તમારા હૃદય અને ફેફસાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે, આનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. જ્યારે તમે સાઈકલ ચલાવો છો તો આ દરમિયાન હાર્ટ રેટ ખૂબ વધી જાય છે, જે હૃદયમાં લોહીને વધુ અસરકારક રીતે પંપ કરી શકે છે. સાઈકલિંગથી માંસપેશીઓને મજબૂતી મળે છે.
માંસપેશીઓ મજબૂત થાય છે
સાઈકલ ચલાવવાથી માંસપેશીઓ મજબૂત થાય છે. જ્યારે તમે સાઈકલ ચલાવો છો તો પગની મદદથી પેડલિંગ કરવામાં આવે છે. આ દરમિયાન પગ ઉપરથી નીચે તરફ એક સર્કલમાં કામ કરે છે. આનાથી પગની માંસપેશીઓથી લઈને શરીરના નીચલા ભાગ અને ઉપરના ભાગની માંસપેશીઓ મજબૂત થાય છે. આનાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને ઓવરઓલ આ આરોગ્યને પ્રોત્સાહન આપે છે.
માનસિક સ્વાસ્થ્ય
સાઈકલ ચલાવવાથી તમારુ માનસિક સ્વાસ્થ્ય પણ સારુ થાય છે. આનાથી ડિપ્રેશન, ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદ મળે છે. સાઈકલ ચલાવ્યા દરમિયાન એરોબિક્સના એક્સરસાઈઝની પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓ માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવીને મગજમાં લોહીનો પ્રભાવ શ્રેષ્ઠ બનાવી શકે છે. જે તણાવને ઘટાડવામાં મદદ કરે છે.