Health

રોજ 30 મીનિટ સાઇકલ ચલાવવાથી ઇમ્યૂનિટીમાં વધારો થાય છે

By GS Team
3 Jun 20202 mins read
This article was originally published on 3 Jun 2020
રોજ 30 મીનિટ સાઇકલ ચલાવવાથી ઇમ્યૂનિટીમાં વધારો થાય છે

વોશિંગ્ટન,૩,જુન,૨૦૨૦,બુધવાર

 કોરોના વાયરસની મહામારીનો સામનો સારી ઇમ્યૂનિટી દ્વારા જ શકય બને છે ત્યારે સાયકલ ચલાવવાથી ઇમ્યૂનિટી વધે છે એવું એક સંશોધનમાં સાબીત થયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર રોજ ૩૦ મીનિટ સાઇકલ ચલાવવાથી હાઇ બીપી, બ્લડ શૂગર, હ્વદયરોગ જેવી સમસ્યાઓ દૂર થાય છે એટલું જ નહી જો નિયમિત સાઇકલ ચલાવવામાં આવે તો શરીરના ઇમ્યૂન સેલ સક્રિય રહે છે. ઇમ્યૂનિટી મજબૂત થવાથી વાઇરસ કે બેકેટેરિયાથી થતી બીમારીથી બચી શકાય છે. શારીરિક ઉપરાંત માનસિક શકિત પણ વધે છે. એક સંશોધન મુજબ સાઇકલ ચલાવનારનું બ્રેઇન સામાન્ય માણસની સરખામણીમાં ૨૦ ટકા વધારે સક્રિય રહે છે. પેટની ચરબી અને કમરના દુખાવાની સમસ્યાથી પીડામાંથી પણ છુટકારો મળે છે.


  યૂરોપમાં સાઇકલ ૧૯મી સદીની શરુઆતથી લોકપ્રિય બની હતી. પ્રથમ વિશ્વયુધ્ધમાં સૈનિકો સાઇકલ પર બેસીને યુધ્ધ કરવા જતા હતા. બ્રિટીશ આર્મીમાં સાઇકલ સેનાનું પણ મહત્વ હતું.  ભારતમાં ૧૯૪૭ થી ૧૯૯૦ સુધી સાઇકલ લોકપ્રિય વાહન રહયું હતું. આર્થિક ઉદારીકરણ પછીના આર્થિક વિકાસની સાથે સાઇકલનું ચલણ ઓછું થયું છે. એક સમયે ખેડૂતો સાઇકલ લઇને ખેતરે જતા, શહેરી લોકો બજારમાં ખરીદી કરવા સાઇકલ લઇને જતા અને પોસ્ટખાતાના  ટપાલીઓ સાઇકલ પર બેસીને ઘરે ઘરે ટપાલ નાખવા આવતા હતા.


વિશ્વમાં વિકાસશીલ દેશોની સરખામણીમાં યૂરોપ અને અમેરિકાના વિકસિત દેશોમાં હજુ પણ સાઇકલનું મહત્વ જળવાઇ રહયું છે. હોલેન્ડ, નોર્વે ,ડેન્માર્ક અને જર્મનીમાં સાઇકલિસ્ટ માટે અલગ ટ્રેક પણ બનાવવામાં આવે છે જેથી કરીને સરળતાથી સાઇકલ ચલાવી શકે છે. રહેઠાણ અને ઓફિસ કે વ્યવસાયનું સ્થળ ૪ થી ૫ કિમી દૂર હોયતો સાઇકલ પર બેસીને સરળતાથી પહોંચી શકાય છે. આ રીતે વિશ્વમાં લાખો લિટર ફયૂઅલ બચાવીને પ્રદૂષણને રોકી શકાય છે.  સાઇકલ એકદમ સસ્તું, ગરીબ અને મધ્યમ વર્ગને પણ પોષાય તેવું અને ઇકો ફેન્ડલી વાહન છે.  એનુ મહત્વ સમજાવવા ૩ જુનના રોજ સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા  સાઇકલ દિવસ ઉજવવામાં આવે છે.