Covid Vaccine: mRNA વેક્સિનથી 18-39 વર્ષના પુરુષોમાં હૃદય રોગના હુમલાનુ જોખમ વધુ
- ભારતમાં પુણે સ્થિત જેનોવા બાયો ફાર્માસ્યુટિકલ કંપની તરફથી mRNA વેક્સિન GEMCOVAC-19ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે
નવી દિલહી, તા. 08 ઓક્ટોબર 2022, શનિવાર
કોરોનાની મેસેન્જર રાઈબોઝ ન્યૂક્લિક એસિડ (mRNA) વેક્સિનને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. જોકે, અધ્યયનમાં સામે આવ્યું છે કે, mRNAથી હૃદય સબંધી મૃત્યુનું જોખમ વધી રહ્યું છે. ફ્લોરિડાના સર્જન જનરલ અને સ્ટેટ હેલ્થ ઓફિસર ડો. જોસેફ એ. લાડાપોએ જણાવ્યું હતું કે, ખાસ કરીને mRNA વેક્સિનથી 18 થી 39 વર્ષની વય વચ્ચેના પુરુષોમાં હૃદય સબંધી મૃત્યુનું જોખમ વધારે છે.
ડો. જોસેફે ટ્વીટ કર્યું કે, આજે અમે કોવિડ-19 mRNA વેક્સિનના વિશ્લેષણ વિશે જણાવી રહ્યા છે. જેના વિશે લોકોએ જાગરૂક થવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે, mRNA વેક્સિનના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, વેક્સિનેસનના 28 દિવસની અંદર 18-39 વર્ષના પુરુષોમાં મૃત્યુની ઘટનાઓમાં 84%ની વૃદ્ધિ થઈ છે.
તેમણે કહ્યું કે, માયોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ જેવી પહેલાથી અસ્તિત્વમાં રહેલી કાર્ડિયાક સ્થિતિ ધરાવતા લોકોએ રસી મેળવતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ દવા અથવા રસીની સલામતી અને અસરકારકતાનો અભ્યાસ એ જાહેર આરોગ્યનો એક મહત્વપૂર્ણ ઘટક છે. mRNAએ વેક્સિન સંબંધિત સલામતી પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે અને ઘણા લોકોની ચિંતાઓ ફગાવી દેવામાં આવી છે. ભારતમાં પુણે સ્થિત જેનોવા બાયો ફાર્માસ્યુટિકલ કંપની તરફથી mRNA વેક્સિન GEMCOVAC-19ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. mRNA વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને લગાવી શકાય છે.
સ્ટેટ સર્જન જનરલ જોસેફે જણાવ્યું હતું કે, વેક્સિન લેનારા સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ વેક્સિન કે દવા કેટલી સુરક્ષિત છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અહીં સુરક્ષાનો ભંગ થયો છે. રસી વિશેની આ મહત્વપૂર્ણ માહિતી ફ્લોરિડાના લોકો સુધી પહોંચવી જોઈએ.
છેલ્લા બે અઢી વર્ષથી વિશ્વભરમાં તબાહી મચાવી ચૂકેલા કોરોનાનું જોખમ હવે પહેલાની તુલનામાં થોડું ઓછું થયું છે. સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાય રહ્યો છે. ભારતમાં પણ સ્થિતિ સારી થઈ રહી છે પરંતુ સુધરતી પરિસ્થિતિ વચ્ચે ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ સામે આવ્યો છે.
ઓમિક્રોનના આ નવા સબ-વેરિઅન્ટને BA.4.6 તરીકે બતાવવામાં આવી રહ્યો છે જેના કારણે અત્યાર સુધી યુએસ અને યુકેમાં સંક્રમણના કેસ નોંધાયા છે. અગાઉ BA.4 સામે આવ્યો હતો જેના કારણે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા હતા અને પછી આ તમામ વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા હતા.