Get The App

ભારતમાં તૈયાર થઈ રહેલી કોરોના વેક્સિનના માત્ર બે ડોઝથી જ ઈમ્યુનિટીમાં થશે ધરખમ વધારો

શરૂમાં સરકારી સ્વાસ્થ્ય કર્મચારીઓ, સોશિયલ કેર વર્કર્સ, 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા અને હાર્ટ-કિડનીના દર્દીઓને પ્રાથમિકતાના આધારે આ વેક્સિન મળશે

Updated: Jun 24th, 2020

GS TEAM

Google News
Google News
ભારતમાં તૈયાર થઈ રહેલી કોરોના વેક્સિનના માત્ર બે ડોઝથી જ ઈમ્યુનિટીમાં થશે ધરખમ વધારો 1 - image


નવી દિલ્હી, તા. 24 જૂન 2020, બુધવાર

ઓક્સફોર્ડની કોરોના વાયરસ વેક્સિનનું બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનકા (AstraZeneca) દ્વારા ભારતમાં ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. આ વેક્સિન અંગે એક સારા સમાચાર સામે આવ્યા છે કે તેના માત્ર બે ડોઝ વડે જ મજબૂત ઈમ્યુનિટી ડેવલપ થાય છે. વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે એમએમઆર વેક્સિનની જેમ જ ઓક્સફોર્ડની કોરોના વેક્સિન AZD1222ના બે ડોઝ આપવાની જરૂર પડી શકે છે. 

ભૂંડ પર કરવામાં આવેલી એક ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે બુસ્ટર ડોઝ વડે મજબૂત ઈમ્યુનિટી તૈયાર થાય છે. જો કે આ વેક્સિન પહેલા જ ટ્રાયલ દરમિયાન માણસોને અપાઈ ચુકી છે અને તેના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. ઓક્સફોર્ડના કેટલાક વૈજ્ઞાનિકોએ ઓક્ટોબર મહીના સુધીમાં આ વેક્સિન તૈયાર થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

કોરોનાની AZD1222 વેક્સિન અન્ય વેક્સિન કેન્ડિડેટ કરતા ઘણી આગળ મનાય છે અને ભારત સહિત અનેક દેશોમાં પહેલેથી જ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. વૈજ્ઞાનિકો અને સરકારી એજન્સીઓ દ્વારા AZD1222 વેક્સિનને મંજૂરી મળશે તે સાથે જ તે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ જશે. અનેક દેશોમાં આ વેક્સિનના મોટા પાયે ઉત્પાદનની તૈયારીઓ ચાલી રહી છે. 

બ્રિટિશ સરકારના કહેવા પ્રમાણે કોરોના વેક્સિન તૈયાર થશે તે સાથે જ સરકારી સ્વાસ્થ્ય કર્મચારીઓ, સોશિયલ કેર વર્કર્સ, 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા અને હાર્ટ-કિડનીના દર્દીઓને પ્રાથમિકતાના આધારે આ વેક્સિન મળશે. એસ્ટ્રાજેનકા કંપનીના સીઈઓના કહેવા પ્રમાણે 10,000 લોકો પર આ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે અને આ વેક્સિન વડે ઓછામાં ઓછા એક વર્ષ સુધી લોકોને ઈમ્યુનિટી મળશે.

Tags :