કોરોના વાયરસ બન્યો ઓછો જોખમી, ટૂંક સમયમાં જ આવી જશે કોરોનાની રસી
અત્યાર સુધીમાં વાયરસના 24 સ્ટ્રેન સામે આવ્યા પરંતુ હવે તેની સ્વરૂપ બદલવાની ઝડપ ઘટી
નવી દિલ્હી, તા. 15 જૂન 2020, સોમવાર
સમગ્ર વિશ્વમાં મૃત્યુનું તાંડવ મચાવનારો કોરોના વાયરસ હવે તેના અંતિમ સ્ટેજ પર છે. ત્યારે આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. વૈજ્ઞાનિકોએ કરેલા દાવા પ્રમાણે કોરોના વાયરસ હવે નબળો પડી રહ્યો છે અને મહામારી સ્વરૂપ આ વાયરસે હવે પોતાનું રૂપ બદલવાનું બિલકુલ ઘટાડી દીધું છે.
જાણો તાજા રિપોર્ટમાં શું છે
છેલ્લા અનેક રિપોર્ટમાં કોરોના વાયરસને 'બહુરૂપિયો' ગણાવવામાં આવ્યો છે કારણ કે અત્યાર સુધી તેણે ખૂબ જ ઝડપથી પોતાના સ્વરૂપ બદલ્યા છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં કોરોનાના 24 રૂપ એટલે કે સ્ટ્રેન સામે આવી ચુક્યા છે. પરંતુ હવે આ વાયરસના સ્વરૂપમાં બહુ ઓછા ફેરફાર જણાઈ રહ્યા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં વાયરસની રૂપ બદલવાની ચાલ ધીમી પડી ચુકી હોવાનું જાણ્યું હતું. અને આ કારણે જ વાયરસ નબળો પડી રહ્યો છે.
રસી ઝડપથી તૈયાર થઈ શકશે
નિષ્ણાંતોના મતે એક વખત વાયરસ મ્યુટેટ કરવાનું (સ્વરૂપ બદલવાનું) ઘટાડી દે એટલે અસરકારક રસી બનાવવાનું સહેલું બની જાય છે. અમેરિકા, યુરોપ, ચીન અને ભારત સહિત સમગ્ર વિશ્વની લગભગ 10 જેટલી સંસ્થાઓ હાલ કોરોનાની વેક્સિન તૈયાર કરવાના અંતિમ સ્ટેજે છે અને આગામી મહીના સુધીમાં મોટા ભાગની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ જશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ સંજોગોમાં સામાન્ય લોકોને આ વાયરસથી છુટકારો અપાવવામાં મદદ મળી શકે છે.
ઉલ્લેખનીય છેકે ડિસેમ્બરના અંતમાં ચીનના વુહાન શહેરથી કોરોનાના સંક્રમણની શરૂઆત થઈ હતી અને છેલ્લા પાંચ મહીનામાં વાયરસે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.