કોરોનાની સારવારમાં અસરકારક છે આ દવા : અમેરિકન રિસર્ચનો દાવો
- અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દવાથી ત્રણ દિવસમાં રાહત મળે છે
નવી દિલ્હી, તા. 11 જૂન 2020, ગુરુવાર
કોરોનાના વધતા સંક્રમણથી વિશ્વભરના 200થી વધારે દેશ પ્રભાવિત છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, બ્રિટેન જેવા દેશોમાં પરિસ્થિતિ ગંભીર છે. ભારતમાં પણ દરરોજ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે અત્યાર સુધી તેના માટે કોઇ વેક્સીન તૈયાર નથી થઇ અને ન તો તેની કોઇ ચોક્કસ દવા ઉપલબ્ધ છે. જો કે રાહતની વાત એ છે કે પહેલાથી ઉપલબ્ધ દવાઓ મારફતે કોરોનાના લક્ષણોની સારવાર કરવામાં આવી રહી છે. કોરોના દર્દીઓની શ્વાસ સંબંધિત મુશ્કેલીઓમાં પણ કેટલીક દવાઓ અસરકારક સાબિત થઇ રહી છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં કોરોના દર્દીઓની મુશ્કેલીઓ ઘટાડવા અને સારવારમાં મદદ કરતી એક દવાની ઓળખ કરવામાં આવી છે.
શ્વાસની તકલીફ અને ઇમ્યૂન સિસ્ટમ પર નિયંત્રણ
નેશનલ કેન્સર રિસર્ચ ઇસ્ટીટ્યૂટના સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે કેન્સરની દવાથી કોરોના સંક્રમણની ગંભીરતામાં ઘટાડો કરી શકાય છે અને કોરોનાની સારવારમાં મદદ મળી શકે છે. સંશોધનકર્તાઓ અનુસાર, બ્લડ કેન્સરની દવાથી સંક્રમિત દર્દીઓની શ્વાસ લેવાની તકલીફને ઘટાડી શકાય છે. આ દવા મારફતે દર્દીઓની ઇમ્યૂન સિસ્ટમને પણ કંટ્રોલ કરી શકાય છે. ઇમ્યૂન સિસ્ટમમાં વધારે એક્ટિવ હોવાને કારણે ગંભીર સંક્રમણની શક્યતાઓ વધે છે.
પ્રોટીનને બ્લોક કરે છે દવા
એક અભ્યાસ અનુસાર, કેન્સરની દવા 'એકૈલબ્રૂટિનિબ' કોરોના દર્દીઓમાં બીટીકે પ્રોટીન એટલે કે બ્રૂટોન ટાયરોસિન કાઇનેજને બ્લોક કરે છે. ઇમ્યૂન સિસ્ટમમાં આ પ્રોટીન મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ઘણીવાર જ્યારે ઇમ્યૂન સિસ્ટમ વધારે એક્ટિવ થઇ જાય છે ત્યારે તે શરીરને સંક્રમણથી બચાવવાની જગ્યાએ સોજા આવવાનું કારણ બની જાય છે.
સાયટોકાઇનિન સ્ટૉર્મ
ઇમ્યૂન સિસ્ટમમાં સાયટોકાઇનિન પ્રોટીનના કારણે થાય છે. આ પ્રક્રિયાને તબીબી ભાષામાં સાયટોકાઇનિન સ્ટૉર્મ પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં બ્રૂટોન ટાયરોસિન કાઇનેજ પ્રોટીનની પણ ભૂમિકા હોય છે. એટલા માટે કેન્સરની દવા મારફતે કોરોના દર્દીઓમાં આ પ્રોટીનને બ્લોક કરી શકાય છે.
ઑક્સિજનના સ્તરમાં ઘટાડો
સંશોધનકર્તાઓનું કહેવું છે કે કોરોના દર્દીઓમાં સાયટોકાઇનિન પ્રોટીન વધારે પ્રમાણમાં રિલીઝ થાય છે, જેના કારણે ઇમ્યૂન સિસ્ટમ વિપરીત કામ કરવા લાગે છે અને ફેફસાંને નુકશાન પહોંચાડવા લાગે છે. કોરોનાના 19 દર્દીઓ પર એક નાનકડો અભ્યાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તેમના શરીરમાં ઑક્સિજનનું સ્તર ઘટી રહ્યુ હતુ અને સોજો વધી રહ્યો હતો.
ત્રણ દિવસમાં મળ્યો આરામ
સંશોધનકર્તાઓનો દાવો છે કે કોરોનાના 19 દર્દીઓમાંથી 11 દર્દીઓને બે દિવસ સુધી ઑક્સિજન આપવામાં આવ્યો હતો, જ્યારે બાકીના આઠ દર્દીઓ દોઢ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. આ દર્દીઓને કેન્સરની દવા આપ્યાના ત્રણ દિવસ સુધીમાં સોજો ઓછો થઇ ગયો હતો અને શ્વાસ લેવામાં પણ આરામ મળ્યો હતો. 11 દર્દીઓને આપવામાં આવતો ઑક્સિજન સપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યો અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
બ્લડ રિપોર્ટમાં સામે આવી આ વાત
વેન્ટિલેટર પર રહેલા આઠમાંથી ચાર દર્દીઓને રાહત મળવા પર સપોર્ટ હટાવી લેવામાં આવ્યો હતો અને બે લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. કમનસીબે અન્ય બે દર્દીઓનું ત્યાં સુધીમાં મૃત્યુ થઇ ચુક્યુ હતુ. જો કે તેના બીજા અન્ય કારણ પણ હોઇ શકે છે. આ દર્દીઓના બ્લડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેમનું બ્લડ પ્રોટીન ઇન્ટરલ્યૂકિન-6નું સ્તર વધ્યું હતું. સોજાનું કારણ બનનાર આ પ્રોટીન કેન્સરની દવા લીધા બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સાયન્સ ઇમ્યૂનોલોજી જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, ક્લીનિકલ પ્રેક્ટિસ માટે આ દવાનો ઉપયોગ કરવાની સલાહ ન આપવી જોઇએ. કેન્સરની આ દવાનો પ્રયોગ અને અભ્યાસ ખૂબ જ ઓછા દર્દીઓ પર કરવામાં આવ્યો છે. એટલા માટે કેટલાક સંશોધનકર્તાઓનું માનવું છે કે તેનો ઉપયોગ દર્દીઓની પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.