કોરોનાના લક્ષણો દેખાય તેના ત્રણ દિવસ બાદ કરાવવી જોઈએ તપાસ, ઉતાવળમાં આવી શકે છે ખોટું પરિણામ
જે દર્દીની કોરોના વાયરસની લપેટમાં આવવાની શક્યતા વધારે હોય તેમને સંક્રમિત માનીને સારવાર આપવી જોઈએ
વોશિંગ્ટન, તા. 11 જૂન 2020, ગુરૂવાર
જો કોઈ વ્યક્તિ કોવિડ-19થી સંક્રમિત હોય અને શરૂઆતના સ્તરે જ તપાસ કરવામાં આવે તો તે સંક્રમિત નથી તેવું પરિણામ આવી શકે છે પરંતુ હકીકતે તે વ્યક્તિ બીમારીની લપેટમાં આવી ચુકી હોય છે. એક અભ્યાસમાં કરાયેલા દાવા પ્રમાણે આ વિષાણુની તપાસ લક્ષણો દેખાય તેના ત્રણ દિવસ બાદ કરવામાં આવે તો વધુ ચોક્કસ પરિણામ મળે છે. આ અભ્યાસ 'એનલ્જ ઓફ ઈન્ટરનલ મેડિસિન' પત્રિકામાં પ્રકાશિત થયો હતો.
અમેરિકાની જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓ સહિત અન્ય અનેક દર્દીઓના મોઢાની લાળના 1,330 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું. આ અભ્યાસના સહલેખક લોરેન કુર્સિકાના કહેવા પ્રમાણે 'ભલે કોઈ વ્યક્તિમાં લક્ષણો દેખાય કે ન દેખાય પરંતુ તે સંક્રમિત ન મળી આવે તે બાબત વ્યક્તિ વિષાણુથી સંક્રમિત નથી તેની ગેરન્ટી નથી. રિપોર્ટમાં વ્યક્તિ સંક્રમિત ન આવે તો આપણે માની લઈએ છીએ કે તે સાચી તપાસ છે પરંતુ તેના કારણે બીજા લોકોનો જીવ જોખમમાં મુકાય છે.'
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જે દર્દીની કોરોના વાયરસની લપેટમાં આવવાની શક્યતા વધારે હોય તેમને સંક્રમિત માનીને સારવાર આપવી જોઈએ અને ખાસ કરીને તેમનામાં કોવિડ-19ને અનુરૂપ લક્ષણો હોય તો વધુ તકેદારી રાખવી જોઈએ. વૈજ્ઞાનિકોના મતે દર્દીઓને તપાસની ખામીઓ અંગે પણ જણાવવું જોઈએ.
સંશોધકોએ આંકડાકીય આધાર પર કાઢેલા અનુમાન પ્રમાણે સંક્રમણની લપેટમાં આવ્યાના ચાર દિવસ બાદ જેમની તપાસ કરવામાં આવે છે તે પૈકીના 67 ટકાથી વધારે લોકો સંક્રમિત હોવા છતા સંક્રમિત ન આવે તેવી સંભાવના છે. સંશોધકોના કહેવા પ્રમાણે કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરવાનો સૌથી યોગ્ય સમય સંક્રમણના આઠ દિવસ પછીનો છે જે લક્ષણો દેખાયાના સરેરાશ ત્રણ દિવસ હોઈ શકે છે.