Updated: Mar 14th, 2023
તા. 14 માર્ચ 2023, મંગળવાર
પોષક તત્વ યુક્ત આહાર માટે ઘણા લોકો ડાયટમાં દહીંનું સેવન કરતા હોય છે. દહીં શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે પોષક તત્વોનો ખજાનો ગણાય છે. મોટાભાગના લોકો ભોજનમાં સાદા દહીંનું જ સેવન કરે છે. દહીંને પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે શું તમે જાણો છો કે દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાવાથી તમને ઈન્સ્ટન્ટ એનર્જી તો મળે જ છે, પરંતુ શરીરનો તમામ થાક પણ મિનિટોમાં જ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ દહીંમાં મિક્સ કરીને તમે તેને વધુ ફાયદાકારક બનાવી શકો છો.
દહીં અને જીરું
પાચનની સમસ્યાઓ દુર કરવા માટે દહીંમાં જીરું મિક્સ કરીને ખાવું જોઈએ. જેના કારણે શરીરનું પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને ખોરાક સરળતાથી પચી જાય છે. શેકેલું જીરું અને કાળું મીઠું દહીં સાથે ખાવાથી ભૂખ વધે છે અને તમે એનર્જેટિક ફીલ કરો છો.
દહીં અને ડ્રાયફ્રુટ
દહીંમાં ડ્રાયફ્રૂટ્સ નાખી તેને ડબલ ટેસ્ટી અને હેલ્થી બનાવી શકાય છે. દહીંમાં કાજુ, બદામ અને અખરોટ મિક્સ કરવાથી દહીંનો સ્વાદ તો બમણો થશે જ, પરંતુ તમારુ વજન પણ વધશે અને યાદશક્તિ પણ તેજ થશે. આ સિવાય દહીં અને ડ્રાયફ્રૂટ્સ ખાવાથી પણ શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.
દહીં અને ગોળ
દહીં સાથે ગોળનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે. આનાથી શરીરની ઈમ્યુનીટી વધે છે. દહીં અને ગોળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રામાં પણ વધારો થાય છે. જેના કારણે એનીમિયા જેવી બીમારીથી બચી શકાય છે. દહીં અને ગોળ ખાવાથી પેટમાં ગેસ, કબજિયાત અને એસિડીટીથી રાહત મળે છે.
દહીં અને કિશમિશ
કિશમિશમાં પ્રોટીન, આયરન, ફાયબર અને કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. દહીં અને કિશમિશ ખાવાથી યુરિનરી ટ્રેકટ ઇન્ફેકશનનો જોખમ ઘટે છે. રોજ સવારે ભૂખ્યા પેટે દહીંનું સેવન કરવાથી તે શરીર માટે એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે.