બસ આ એક કામ કરવાથી બચી શકાય છે કોલેસ્ટ્રોલથી, આજથી જ કરો શરૂઆત
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
કોલેસ્ટ્રોલનું વધારે પ્રમાણ જોખમી બની જાય છે. સામાન્ય રીતે હૃદયની અને કોલેસ્ટ્રોલની બીમારી સૌથી વધારે 40 વર્ષથી વધારેની વયના લોકોને થાય છે. પરંતુ જો નાની ઉંમરથી જ આ બાબતે ધ્યાન આપવામાં આવે તો કોલેસ્ટ્રોલના જોખમને ટાળી શકાય છે.
કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે પરંતુ તે જરૂરી પણ છે. તે એક કેમિકલ કંપાઉડ છે અને તે વ્યક્તિના લીવરમાં હોય છે. તેની જરૂરીયાત નવા સેલ્સ બનાવવા અને હોર્મોન્સ મેનેજમેન્ટ માટે હોય છે. પરંતુ જો તે વધી જાય તો વ્યક્તિ માટે સમસ્યા બની જાય છે.
કોલેસ્ટ્રોલ વધવાથી સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ એવું કામ કરવામાં આવે જેને બોડી સરળતાથી સ્વીકારી ન શકે. વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાવું, ઓવર ઈટિંગ કરવાથી લિવર પર અસર પડે છે. આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ લિવરમાં બને છે. પરંતુ રોજ હાઈકોલેસ્ટ્રોલ ફૂડનું સેવન કરવામાં આવે તો શરીરમાં તેનું પ્રમાણ વધી જાય છે. શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ જામવા લાગે છે અને તેના કારણે રક્તપરિભ્રમણ પણ બાધિત થાય છે.
જ્યારે શરીરને કોલેસ્ટ્રોલની જરૂર હોય છે ત્યારે તે આંતરડા દ્વારા જમા કરેલા કોલેસ્ટ્રોલનો ઉપયોગ કરે છે. પરંતુ વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ શરીરમાં જામી જાય તો તે હાર્ટ અને બ્રેન પર અસર કરવા લાગે છે અને કેટલાક કિસ્સામાં તે જીવલેણ સાબિત થાય છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી જાય તો તેની જાણ પણ થતી નથી. આ વાત ત્યારે ખબર પડે છે જ્યારે કોઈ બીમારી થાય. તેના વિશે બ્લડ ટેસ્ટ કરી જાણી શકાય છે. એટલા માટે જ 25 વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર દરેક વ્યક્તિએ બોડી ચેકઅપ કરાવવું જોઈએ. કારણ કે ઉંમર વધવાની સાથે હૃદય અને મગજની બીમારી થવાનું જોખમ વધતું જાય છે. તેથી જરૂરી છે કે ભોજનમાં કંટ્રોલ રાખવો અને ફિઝિકલ એક્ટિવિટી રાખવી.