સ્મોકરના કપડાંમાંથી નીકળતું કેમિકલ પણ સ્મોકિંગ જેટલું જ ખતરનાક!
- યેલ યુનિવર્સિટીના સંશોધકોનું તારણ
- સતત સિગારેટ પીનારાના કપડામાંથી એક કલાકમાં 10 સિગારેટના ધુમાડા જેટલું નિકોટિન હવામાં ભળે છે : સ્ટડીમાં દાવો
ન્યૂ હેવન, તા. 20 માર્ચ 2020, શુક્રવાર
યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંને લગતું તદ્ન અલગ સંશોધન કર્યું હતું. સંશોધન પ્રમાણે જે સતત સ્મોકિંગ કરે છે એવા લોકોનો સમુહ એકઠો થાય ત્યારે તેના કપડાંમાંથી એક કલાકમાં 10 સિગારેટમાંથી નીકળતા ધુમાડા જેટલું નિકોટિન હવામાં ભળે છે. જે સ્મોકરની આસપાસ બેસનારાના શરીરને પણ નુકસાન પહોંચાડે છે.
યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંમાંથી છૂટા પડતા પદાર્થ અંગે અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ દાવો કર્યો હતો કે સ્મોકરના કપડાંમાંથી હવામાં ભળતા કેમિકલ્સ પર પહેલી વખત સંશોધન થયું છે. એ સ્ટડી પ્રમાણે સતત સ્મોકિંગ કરતા માણસના કપડામાં નિકોટિનનો મોટો જથ્થો જમા થઈ જાય છે. એ જથ્થો પછી કપડામાંથી છૂટો પડે છે અને સ્મોકર ઉપરાંત તેની આસપાસમાં બેસનારાને પણ નુકસાન પહોંચાડે છે.

સંશોધકોએ એક સિનેમા હોલનો અભ્યાસ કર્યો હતો. એક નોન સ્મોકિંગ સિનેમા હોલની હવામાં કેટલા કેમિકલ્સ છે તેનો અભ્યાસ થયો હતો. એ પછી સિનેમા હોલમાં જનારા લોકોમાંથી કેટલા લોકો કેટલું સ્મોકિંગ કરે છે તેનો સર્વે કરાયોહતો. સિનેમા હોલ પૂરો ભરાઈ ગયો પછી એમાં બેઠેલા કુલ લોકોમાંથી લગભગ 40 ટકા લોકો સ્મોકિંગ કરતાં હોવાનું જણાયું હતું અને એમાંથી પણ 30 ટકા લોકો સતત સ્મોકિંગ કરતા હતા. એક કલાક પછી હોલની હવાનો ફરીવાર સ્ટડી થયો હતો. બીજી કલાકે પણ નોન સ્મોકિંગ હોલની હવાનો અભ્યાસ થયો હતો.
સતત સ્મોકિંગ કરતા લોકોની આસપાસની હવાનો અભ્યાસ કરીને સંશોધકોએ તારણ આપતા કહ્યું હતું કે જે સિનેમા હોલમાં સિગારેટ પીને આવેલા લોકોની સંખ્યા ઠીક-ઠીક હતી તેની હવામાં એક કલાકમાં 10 સિગારેટમાંથી નીકળતા ધુમાડા જેટલું નિકોટિન છૂટું પડયું હતું.

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે સ્મોકિંગ કરી લીધા પછી સ્મોકરની આસપાસ રહેવાથી કોઈ નુકસાનથતું નથી, પરંતુ તેના કપડાંમાંથી સતત એક અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. એ ગંધ ખરેખર તો નિકોટિન સહિતના ઘાતક પદાર્થોનો જથ્થો હોય છે એવું નિષ્ણાતોએ તારવ્યું હતું.