કોરોનાના દર્દીઓની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલય કરી રહ્યું છે HCQ અને એજિથ્રોમાઈસિનના મિશ્રણની સમીક્ષા
કોરોનાની સારવારમાં એચસીક્યુને સૌથી વધુ ઉપયોગ માટે ચાલુ રાખવામાં આવે તેવી સંભાવના છે પણ એક અલગ મિશ્રણની સાથે
નવી દિલ્હી, તા. 13 જૂન 2020, શનિવાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે એન્ટિબાયોટિક એજિથ્રોમાઈસિનના મિશ્રણ વડે મેલેરિયાવિરોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગની સમીક્ષા કરી રહ્યું છે.
આના માટે ટૂંક સમયમાં જ સંશોધિત ક્લીનિકલ ટ્રાયલ સંબંધી દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે એચસીક્યુની સારવાર પ્રોટોકોલના એક ભાગ તરીકે બની રહે તેવી સંભાવના છે પરંતુ એજિથ્રોમાઈસિનને છોડવામાં આવે તેવું બને.
સ્વાસ્થ્ય મંત્રાલય સમગ્ર વિશ્વમાં એચસીક્યુના પક્ષ અને વિપક્ષમાં પુરાવાની સમીક્ષા કરી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી મંત્રીઓની બેઠકમાં પણ આઈસીએમઆર દ્વારા દવાઓ અંગે પોતાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો અને આ દવાઓ વડે કોરોનાની સારવારની વાત કહેવાઈ હતી.
તેમાં રેમડેસિવિર અને ફેવિપિરવીર દવાઓ પણ સામેલ હતી. કોરોનાની સારવારમાં એચસીક્યુને સૌથી વધુ ઉપયોગ માટે ચાલુ રાખવામાં આવે તેવી સંભાવના છે પણ એક અલગ મિશ્રણની સાથે. મંત્રાલય દ્વારા આ અંગે વિચારણા ચાલુ છે અને ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
કોરોના માટે ગત 31 માર્ચના રોજ સંશોધિત કરવામાં આવેલા સ્વાસ્થ્ય મંત્રાલયના વર્તમાન ક્લિનીકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે એચસીક્યુના એજિથ્રોમાઈસિન સાથેના મિશ્રણને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ અને આઈસીયુ મેનેજમેન્ટની જરૂરિયાત પ્રમાણે વાપરી શકાય છે.
મંત્રાલયે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના પ્રયોગ માટે એક દિવસમાં બે વખત 400 મિલીગ્રામ, ત્યાર બાદ ચાર દિવસ માટે દિવસમાં બે વખત 200 મિલીગ્રામ અને એજિથ્રોમાઈસિન માટે પાંચ દિવસ માટે દિવસમાં એક વખત 500 મિલીગ્રામની ભલામણ કરી છે. જોકે, બંને દવાઓનું મિશ્રણ 12 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે નથી.