Get The App

દેખો કારોબાર કુમાર, બિહાર હુઆ હૈ બીમાર..., સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ ઠેકડી ઊડાવી

- બિહાર સરકાર કોરોનાના મુદ્દે તદ્દન નિષ્ફળ નીવડી છે

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News
દેખો કારોબાર કુમાર, બિહાર હુઆ હૈ બીમાર..., સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ ઠેકડી ઊડાવી 1 - image


પટણા તા.27 જુલાઇ 2020 સોમવાર

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાને હંફાવવાના પ્રયાસોમાં બિહાર રાજ્ય સરકારની ઠેકડી ઊડાવી હતી. બિહારે કોવિડ 19ના ડેટા રિપોર્ટિંગમાં સૌથી વાહિયાત કામગીરી કરી હોવાનું આ યુનિવર્સિટીના નિષ્ણાતોએ તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવાયું હતું.

પ્રિપરંટ રિપોઝિટરી ‘મિડઆર્સિવ’માં પ્રગટ થયેલા આ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કેકોરોનાની ગુણવત્તાપૂર્ણ ડેટા રિપોર્ટીંગમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં જુદી જુદી વિગતો મળી હતી. સૌથી નબળી કામગીરી બિહાર રાજ્ય સરકારની હતી એવું આ રિપોર્ટમાં જણાવાયું હતું. 

જો કે તાજેતરમાં બિહાર સરકારે પંદર દિવસમાં 500 બિછાના ધરાવતી કોવિડ હૉસ્પિટલ તૈયાર કરી આપવાનો દાવો કર્યો હતો. જો કે એમાં બિહારને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન ( ડીઆરડીઓ) ખૂબ મદદ કરી રહ્યું હતું. કેન્દ્ર સરકારે બિહાર સરકારને ડીઆરડીઓની સહાય આપી હતી. ડીઆરડીઓએ બિહારના વિવિધ જિલ્લામાં ફરીને જમીન પસંદ કરવાની કવાયત હાથ ધરી હતી. આ કાર્યમાં જે તે જિલ્લાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે સહાય કરી હતી. ડીઆરડીઓના અધિકારીઓને મુઝફ્ફરપુર વિસ્તારની એક જમીન પસંદ પડી હતી જ્યાં આ 500 બિછાનાની કોવિડ હૉસ્પિટલ તૈયાર કરવાની યોજના છે. 

દરમિયાન રાજદના તેજસ્વી યાદવ સહિત  બિહારના મોટા ભાગના વિપક્ષી નેતાઓએ કોરોનાને નાથવામાં બિહાર સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ કર્યા હતા. દેખો યહ હૈ કુમાર બિહાર હુઆ હૈ બીમાર ... એવાં સૂત્રો પણ નીતિશ કુમાર વિરુદ્ધ ગજાવાયાં હતાં.

જો કે નીતિશ કુમારના ટેકેદારો કહે છે કે દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં થયા છે. બિહારમાં માત્ર કોરોનાના કેસની સમસ્યા નથી. કોશી જેવી કેટલીક નદીઓમાં વિનાશકારી પૂર આવ્યાં છે. રાજ્ય સરકારે  આ રીતે બબ્બે મોરચે લડત આપવાની છે એટલે માત્ર કોરોનાની વાતો કરવાથી કશું વળે નહીં. પૂરગ્રસ્તોને થાળે પાડવાની પણ સરકારની જવાબદારી છે.

Tags :