નવી દિલ્હી, 12 ઓક્ટોબર 2019, શનિવાર
આદૂ એવી ઔષધિ છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે શરીરને રોગમુક્ત પણ કરે છે. તો ચાલો આજે જાણીએ આદૂ કયા કયા રોગને દૂર કરે છે અને તેનો પ્રયોગ કેવી રીતે કરવો જોઈએ.
પેટના રોગ માટે આદુ
ઘણીવાર ભોજન પચવામાં સમસ્યા થઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘી કે મધ સાથે આદૂનો રસ લેવો જોઈએ. અપચો, ગેસ, પેટનો દુખાવો, એસિડિટી અને ઝાળાની તકલીફ થાય તો પણ આદૂનું સેવન કરવું. તેનાથી પાચનક્રિયા સુધરે છે.
તેના માટે આદૂ, મરી અને પીપળીનું ચૂર્ણ સમાન માત્રામાં લેવું. આ ચૂર્ણમાં બે ગ્રામ જૂનો ગોળ ઉમેરી અને તેનું સેવન કરવું. તેનું સેવન કરવાથી ફેંફસા અને પેટના રોગના ઉપચારમાં લાભ થાય છે. જો ભૂખ ન લાગતી હોય તો આદૂનું સેવન સિંધવ નમક સાથે કરવું.
માથાનો દુખાવો
માથાનો દુખાવો રહેતો હોય તો આદૂનું ચૂર્ણ કે રસ લઈ તેને ગરમ પાણીમાં હળદર સાથે ઉમેરી માથા પર તેનો લેપ કરવો. ઠંડીના વાતાવરણમાં દાંતમાં દુખાવો થાય તો આદૂને ચાવીને ખાવાથી તુરંત લાભ થાય છે.
કમળામાં ફાયદાકારક
કમળામાં આદુ, ત્રિફળા અને ગોળ એક સાથે ખાવાથી લાભ થાય છે.
સાંધાનો દુખાવો
આદુમાં દુખાવારોધી ગુણધર્મો છે જે સંધિવાથી રાહત આપે છે. લાંબા સમયથી સાંધાનો દુખાવો રહેતો હોય તો આદુનો રસ, અશ્વગંધાનો પાવડર, શૈલાકી ચૂર્ણ, હળદરનો પાવડર સમાન માત્રામાં મિક્ષ કરી મધ સાથે મેળવીને પછી ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
શરદી, કફ, તાવમાં
ખાંસી, શરદી, ગળામાં દુખાવો, હોય તો આદુ ઘી અથવા મધ સાથે લેવું જોઈએ. જો હેડકી આવતી હોય તો તેવી સ્થિતિમાં આદુનો રસ મધ અને તુલસીનો રસ સાથે પીવો. મધ સાથે આદૂ આપવાથી કફ દુર થાય છે.
આદુની ચા
આદુ અને કાળા મરીના પાંચ દાણા ભેળવીને તૈયાર કરેલી ચા પીવાથી ઠંડા વાતાવરણમાં ફાયદો થાય છે.
આદુ પીવામાં રહો સાવધાન
- આદુ ઠંડી પ્રકૃતિના લોકોને લાભ આપે છે. પરંતુ જે લોકો પિત્ત પ્રકૃતિના હોય છે તેમને આદુનું સેવન ટાળવું જોઈએ.
- હાર્ટ અને કિડનીના રોગથી લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે પણ તે હાનિકારક છે.


