મહિલાઓએ રોજ ખાવું જોઈએ એક સીતાફળ, જાણો શું થાય છે તેનાથી લાભ
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2019, રવિવાર
સીતફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખાસકરીને મહિલાઓ માટે તે ખૂબ લાભકારી હોય છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે એવા ગુણ ધરાવે છે કે જેનાથી મહિલાઓની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. સીતાફળ વિટામિન સી અને એન્ટી ઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે જે આપણા શરીરને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે.
તે પોટેશિયમ અને મેગ્નીશિયમથી ભરપૂર હોય છે જે હૃદય રોગથી પણ બચાવે છે. એટલું જ નહીં તેનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે. સીતાફળમાં વિટામિન એ હોય છે જે આંખોને સ્વસ્થ રાખે છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળનો સમાવેશ આહારમાં કરવાથી કયા કયા લાભ થાય છે તેના વિશેની વિગતો પણ જાણી લો.
ગર્ભાવસ્થામાં લાભ
સીતાફળનું સેવન ગર્ભાવસ્થામાં કરવાથી ભ્રૂણનું મગજ અને રોગપ્રતિકારક પ્રણાલી સારી રીતે વિકસિત થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભપાતનું જોખમ પણ ઘટી જાય છે અને પ્રસવ પીડાની તીવ્રતા પણ ઓછી કરવામાં તેના ગુણ મદદ કરે છે.
હાર્ટ એટેકને રોકે છે
સીતાફળમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે જે હાર્ટ એટેકથી બચાવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી સ્નાયૂઓને આરામ મળે છે. તેમાં રહેલું વિટામિન બી 6 હોમોસિસ્ટીન સંગ્રહ થતા રોકવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
રોગપ્રતિકારક શક્તિમાં સુધારો
તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ સુધરે છે એટલે કે નિયમિત રીતે એક સીતાફળ ખાવાથી શરીર રોગો સામે લડવામાં સક્ષમ બને છે.
શરીરની ઊર્જામાં વધારો
આ ફળનું સેવન કરવાથી શરીરની ઊર્જા વધે છે. જેથી થાક, સુસ્તી જેવી સ્થિતિઓમાં લાભ મળે છે. તેનાથી સ્નાયૂની નબળાઈ પણ દૂર થાય છે.
ડાયાબિટીસ અને બીપી
ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં પણ સીતાફળનું સેવન મદદ કરી શકે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નીશિયમ હોય છે જે બીપીને પણ નિયંત્રણમાં રાખે છે. જો કોઈનું બીપી લો કે હાય રહેતુ હોય તો તેમણે નિયમિત એક સીતાફળ તો ખાવું જ જોઈએ.