10 વર્ષ સુધીના બાળકોમાં આંખોના નંબર આવવાનું પ્રમાણ 30 ટકા જેટલું વધી ગયું!
ઈન્ડિયન જર્નલ ઓફ ઓપ્થલ્મોલોજિસ્ટના રિસર્ચ પેપર અનુસાર, 2050 સુધીમાં દેશની 48 ટકા વસ્તીને માયોપિયા થવાની શક્યતા
અમદાવાદ,
વધતી જતી ટેકનોલોજીએ લોકોની ઝડપી જીવન શૈલીને પાંખો આપી છે. કેટલાક સમયથી ખાનગી ઓનલાઈન ટયુશન ક્લાસીસનો રાફડો ફાટી નીકળ્યો છે. અનેક બાળકો શાળાએથી ઘરે આવી સીધા કમ્યુટર, લેપટોપ કે મોબાઈલ પર ઓનલાઈન ભણતર મેળવવા બેસી જાય છે. કોરોના સમયે શાળા તથા ઓફિસ બંધ થઈ જતાં વડીલોથી લઈ નાના ભૂલકાઓ દરેક ઓનલાઈન મીટિંગ તથા ક્લાસિસમાં વ્યસ્ત થઈ ગયા હતાં. માત્ર ભણવાનું જ નહીં આજના સમયમાં બાળક જન્મે ત્યારથી ફોન પર કાર્ટૂન જોવાથી લઈ ગીત તથા ભજન સાંભળવા અને જોવા લાગે છે. બાળકો બહાર જઈને રમતો રમવાની જગ્યાએ વિડિયો ગેમ તરફ વળ્યા છે. જેની કેટલીક માઠી અસર તેમની દ્રષ્ટિ પર પડી છે. હાલના સમયમાં બાળકોને ખૂબ નાની ઉંમરથી ચશ્મા આવી જાય છે. ખાસ કરીને કોરોના સમયે ઓનલાઈન ક્લાસિસમાં સતત વ્યસ્ત રહેલા બાળકોની આંખને નુકસાન પહોંચ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર, 3થી 10 વર્ષની ઉંમરના બાળકોમાં નંબર આવવાના પ્રમાણમાં 30 ટકા જેટલો વધારો થયો છે. લોકોને દૂરના નંબર, નજીકના નંબર તથા ત્રાસા નંબર આવતા હોય છે. નાના બાળકોમાં માયોપિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેને સામાન્ય રીતે આપણે દૂરના નંબર તરીકે જાણીએ છીએ. ઈન્ડિયન જર્નલ ઓફ ઓપ્થલ્મોલોજિસ્ટના 2023ના એક રિસર્ચ પેપર અનુસાર ભારતમાં 5થી15 વર્ષના બાળકો પૈકી 8.5 ટકા બાળકો શહેરી વિસ્તારના તેમજ 6.1 ટકા ગ્રામીણ વિસ્તારના બાળકો માયોપિયાનો શિકાર છે. પાછલા એક દસકામાં 11થી 15 વર્ષના બાળકોમાં માયોપિયા થવાનુ પ્રમાણ બમણું થયું છે. વર્ષ 2050 સુધીમાં ભારતની 48 ટકા વસ્તીને માયોપિયા થવાની શક્યતા છે.
નંબર આવવાના લક્ષણો
- ઉપકરણોની સ્ક્રિનને નજીકથી જોવી
- કંઈ પણ જોવા આંખ ત્રાસી કરવી પડે
- સ્પેલિંગ લખવામાં ભૂલ કરે
- બહાર જઈને રમવાનું ટાળે
- માથામાં દુઃખાવો થવો
- વારંવાર આંખો બ્લિંક કરે
- સ્વભાવ ચીડિયો થઈ જવો
નાની ઉંમરે ચશ્મા આવવાના કારણો
- બાળકના માતા-પિતા કે કોઈ એક વાલીને ચશ્મા હોવા
- આઉટ ડોર એક્ટિવિટીનું ઓછું પ્રમાણ
- ટીવી, મોબાઈલ, ફોન, કમ્પ્યુટર/ લેપટોપની સ્ક્રિનનો વધુ ઉપયોગ
- આંખથી 25થી 40 સેમી દૂર કરવાની પ્રવૃતિ તેટલા જ ગાળામાં કરાતી હોવાથી
આંખોના નંબરથી ગભરાવાની જરૂર નથી, માત્ર દ્રષ્ટિ દોષ છે
કેટલાક વાલીઓ બાળકોને ચશ્મા આવતાં ગભરાઈ જાય છે. તેનાથી ગભરાવવાની જરૂર નથી. તે માત્ર દ્રષ્ટી દોષ છે, જે થવા પાછળ કેટલાય કારણો અસર કરે છે. બાળકોને દૂરનું જોવા માટે આંખો જીણી કરે કે કોઈ અન્ય લક્ષણ દેખાય તો તેને સત્વરે આંખના ચેકઅપ માટે લઈ જવા જોઈએ. એવી માન્યતા છે કે, કસરત, યોગા કરવાથી કે દવાના ઉપયોગથી ચશ્માના નંબર ઉતરી જાય છે. પરંતુ તેવું વાસ્તવમાં ખૂબ રેર કેસમાં થતું હોય છે. - ડો.અંકિત શાહ (પીડિયાટ્રીક ઓપ્થલ્મોલોજિસ્ટ)
વાલીને નંબર હોય તો બાળકને આવવાની શક્યતા વધી જાય છે
કોઈ એક વાલીને ચશ્માના નંબર હોય તેવા બાળકને નાની ઉંમરે ચશ્મા આવવની શક્યતા 10થી 15 ટકા જેટલી વધી જાય છે. જેથી બાળક ત્રણ વર્ષનું થાય ત્યારબાદ તેની દર છ મહિને નિયમિત રીતે પીડિયાટ્રીક ઓપ્થલ્મોલોજિસ્ટ પાસે તપાસ કરાવવી જોઈએ. પૌષ્ટિક ખોરાકનું સેવન કરવાથી તથા સવારના કૂણો તડકો લેવાથી બાળકોને નાની ઉંમરે ચશ્મા આવવાથી બચાવી શકાય છે.
-ડો.નુતિ શાહ (પીડિયાટ્રીક ઓપ્થલ્મોલોજિસ્ટ એન્ડ સ્ટ્રેબિસ્મોલોજિસ્ટ)
બાળકોની આંખોની ઘરે જ નિયમિત ચકાસણી કરતા રહેવું જોઈએ
બાળકોને તેમની દ્રષ્ટીમાં કોઈ ખામી હોવાનો આભાસ નથી થતો. બાળક ત્રણથી ચાર વર્ષનું થાય તે સમયે વાલીએ તેને એક આંખ બંધ કરાવી બીજી આંખથી સ્પષ્ટ દેખાય છે કે નહીં તે ચકાસવું જોઈએ. જો બાળકને દૂરનું કે નજીકનું જોવામાં કોઈ તકલીફ પડે તો તેનું નીદાન કરાવી શકાય છે. નંબર આવ્યા હોય તો ચશ્મા પહેરાવવાથી તેની પ્રોગેશન અટકાવી શકાય છે. કોઈ પણ સ્ક્રિનને યોગ્ય અંતરે જોવાની ટેવ પાડવી પણ ખૂબ હિતાવહ છે