જાણો સ્વાસ્થ્ય માટે કેવો આહાર છે પૌષ્ટિક અને જરૂરી
નવી દિલ્હી, 26 મે 2019, રવિવાર
કોઈપણ ઉંમરના લોકો માટે પોષણ સૌથી વધારે જરૂરી છે. જો શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ ન મળે તો તેનાથી શરીરમાં અનેક રોગ અને સમસ્યા થાય છે. આ સમસ્યાઓ શારીરિક અને માનસિક તકલીફ વધારે છે. પોષક તત્વો શરીરને તો મજબૂત કરે જ છે પરંતુ તેનાથી શરીર અનેક બીમારીઓ સામે લડી શકે છે. તેથી જરૂરી છે કે દિવસ દરમિયાન યોગ્ય પ્રમાણમાં પૌષ્ટિક ભોજન કરવામાં આવે. એનસીબીઆઈના આંકડા અનુસાર પોષણની ખામીના કારણે બાળકોને સૌથી વધારે સમસ્યા થાય છે. અપૂરતા પોષણના કારણે વિકાસશીલ દેશોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાંથી 45 ટકાનું મૃત્યુ થાય છે.
સામાન્ય રીતે લોકો એ વાતથી અજાણ હોય છે કે તેમણે કેટલું અને કેવું ભોજન કરવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર પોષણની ખામીના કારણે શરીર નબળું પડી જાય છે અને તે કારણે શરીર પર બીમારીઓનો માર વધે છે. દુનિયાભરમાં દર વર્ષે અંદાજે 60 લાખ લોકોનું મૃત્યુ આ કારણે થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે પૌષ્ટિક આહાર કેવો હોય છે અને તેને કેવી રીતે ગ્રહણ કરવો.
પ્રોટીન શરીર માટે ખૂબ જરૂરી છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દૂધ ઉત્પાદનોમાં અને ઈંડામાં સૌથી વધારે પ્રોટીન હોય છે. એટલે પ્રોટીનને ભોજનનો ભાગ જરૂરથી બનાવો. બીમારી ફેલાવતા બેક્ટેરિયાથી બચવા માટે વિટામીન સી, ઈ અને બેટા કેરોટીન જરૂરી હોય છે. આ ઉપરાંત દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન 5 લીટર પાણી પીવું જોઈએ. આ ઉપરાંત ફેટી એસિડ યુક્ત ભોજન પણ દિવસ દરમિયાન લેવું. દિવસ દરમિયાન પૌષ્ટિક આહાર લેવા ઉપરાંત સપ્તાહમાં 5 દિવસ 30 મિનિટ કસરત પણ કરવી જરૂરી છે.