શું તમે પણ ચહેરા પર ખીલ થવાની સમસ્યાથી પરેશાન રહો છો? તો હોઈ શકે છે આ કારણ
Image Source: Freepik
અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર
જ્યારે આપણે 12થી 22ની ઉંમરના હોઈએ છીએ તો ચહેરા પર ખીલની સમસ્યા વધી જાય છે પરંતુ ત્યારે શું જ્યારે આ સમસ્યા આ ઉંમર બાદ પણ વધતી જાય. ઘણા લોકો છે જે ચહેરા પર ખીલ વધુ હોવાથી પરેશાન રહે છે પરંતુ આવા લોકો તેના યોગ્ય કારણોને જાણી શકતા નથી અને હંમેશા પરેશાન જ રહે છે.
ચહેરા પર ખીલ થવાનું કારણ
1. હોર્મોનનું અસંતુલન
ઉંમર વધવાની સાથે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા કેટલાક હોર્મોનમાં પરિવર્તન તમારી ત્વચાને પણ અસર કરે છે. તમારુ શરીર સંતુલન જાળવી રાખવા માટે અમુક હોર્મોનની સાથે કામ કરે છે, પરંતુ જો એક પણ હોર્મોન અસંતુલિત થાય છે તો તમારી સ્કિન પર ડ્રાયનેસ, ખીલ, ફાઈન લાઈન્સ, કરચલીઓ અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને વધારે ખીલ થઈ રહ્યા હોય તો તમારા શરીરમાં વધુ હોર્મોનનું અસંતુલન છે.
2. સ્ટ્રેસ
સ્ટ્રેસના કારણે તમારી સ્કિન પર સતત ખીલ થઈ શકે છે. જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો તો કાર્ટિસોલ હોર્મોન વધે છે અને પછી તેનાથી સ્કિનમાં ઓયલ પ્રોડક્શન વધે છે. આનાથી ગંદકીથી સ્કિન પોર્સ બ્લોક થઈ જાય છે અને ખીલની સમસ્યા વધવા લાગે છે. આ સિવાય સ્ટ્રેસ, હોર્મોન અસંતુલનનું પણ કારણ બને છે.
3. શુગર મેટાબોલિઝ્મ સ્લો
શુગર મેટાબોલિઝ્મ સ્લો થવાનો અર્થ છે કે તમારા શરીરમાં ખાંડ પચવાની ગતિ સ્લો થઈ ગઈ છે. આનાથી શરીરમાં શુગર વધશે જે સ્કિન માટે ખૂબ નુકસાનકારક છે. જ્યારે તમારુ બ્લડ શુગર વધી જાય છે, તો આ તમારા સંપૂર્ણ શરીરમાં સોજાનું કારણ બને છે. આ સ્પાઈક્સ તમારા શરીરમાં વધુ ઓયલી પદાર્થ બનાવવાનું કારણ પણ બને છે જેનાથી ચહેરા પર ખીલની સમસ્યા વધી થઈ શકે છે.
4. સ્કિનની બીમારીઓના કારણ
ફોલિકુલિટિસ, રોસૈસિયા, સ્ટેફ અને સ્કિન કેન્સર જેવી સ્કિનની બીમારીઓની શરૂઆતમાં પણ ચહેરા પર ખીલ વધુ થઈ શકે છે. એટલુ જ નહીં આ ખીલ વારંવાર પાછા થઈ શકે છે. આ સિવાય આને ઠીક થવામાં નોર્મલથી વધુ સમય લાગી શકે છે. આ સિવાય આ ઘા જેવા ઊંડા પણ થઈ શકે છે.