ચિંતા, તાણને દૂર કરશે જાપાની ચા 'માચા'
નવી દિલ્હી, 13 જુલાઈ 2019, શનિવાર
વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ચુકી છે કે દરેક વ્યક્તિ ચિંતા અને માનસિક તાણનો ભોગ બની જાય છે. દિવસ દરમિયાન કામની ચિંતા અને તે ઉપરાંત ઘર પરિવારની જરૂરીયાતો પૂર્ણ થશે કે કેમ તેની ચિંતા લોકોને સતાવે છે. આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ પણ ભાગદોડ ભરેલી થઈ ગઈ છે જેના કારણે પણ માનસિક તાણ રહે છે. આ ટેન્શનમાંથી રિલેક્સ થવા માટે લોકો ચા અથવા તો કોફી પીવાનો આગ્રહ રાખે છે.
ચા પીવાના શોખીનો માટે આ જાણકારી મહત્વની હશે કારણ કે હવે એક નવી ચા ઉપલબ્ધ છે. આ સ્પેશિયલ જાપાની ચા વ્યક્તિને ચિંતાઓમાંથી મુક્ત કરી દે છે. તો ચાલો જાણીએ આ ખાસ ચા વિશે વિગતવાર. જાપાનમાં તાજેતરમાં થયેલી શોધમાં શોધકર્તાઓએ જાણ્યું કે માચાનો અર્ક પીવડાવવાથી ચિંતા ઘટે છે. આ પરીક્ષણ ઉંદર પર કરવામાં આવ્યું હતું જેમાં માચા પાવડર કે તેનો અર્ક ઉંદરને પીવડાવ્યા બાદ તેમના ચિંતાજનક વ્યવહારમાં ઘટાડો નોંધાયો હતો. શોધકર્તાઓ અનુસાર માચા ચામાં એવા તત્વ હોય છે જે ચિંતા અને તાણને દૂર કરવામાં મદદ કરે છે. આ તત્વ ડોપામન ડી1 રિસેપટર્સ અને સેરોટોનિન 5 HT1A રિસેપ્ટર્સને એક્ટિવેટ કરે છે. આ બંને કેમિકલ ચિંતાજનક વ્યવહાર સાથે સંબંધિત હોય છે.
આ સ્ટડીમાં સાબિત થયું છે કે વર્ષો સુધી ઔષધીય વસ્તુ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું માચા માનવ શરીર માટે લાભકારક છે. મહત્વપૂર્ણ છે કે માચા છાયાદાર જગ્યાઓ પર ઉગાડવામાં આવતી કેમિલિયા સિનેન્સિસ નામની ચા પત્તિનો ચુરો હોય છે.