કોરોના મહામારીના કારણે વધુ 13 કરોડ લોકો ભૂખમરાનો ભોગ બનશે
દર મહિને 5.50 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બની રહયા છે
ગ્રામીણ વિસ્તારોમાં ખાધ અને ચિકિત્સા પહોંચી શકતી નથી. યુએન
ન્યૂયોર્ક,૨૯ જુલાઇ,૨૦૨૦, બુધવાર
કોરોના વાયરસની મહામારીના દુષ્પરીણામોનો સૌથી વધુ ભોગ કુપોષણ ધરાવતા ગરીબ પરીવારો બનવા લાગ્યા છે. યુએનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ખોરાક અને મેડિકલની સપ્લાય ચેન ખોરવાઇ હોવાથી ગ્રામીણ વિસ્તારના ઉત્પાદનો શહેરો સુધી વેચાણ બજારો સુધી પહોંચી શકતા નથી. અપૂરતા ખોરાક અને પોષણના કારણે ૧.૨૦ લાખ બાળકોના વધુ મોત થઇ શકે છે. કોરોના મહામારીમાં દર મહિને ૫.૫૦ લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બની રહયા છે.
જો આ પરીસ્થિતિ ચાલુ રહી તો લાંબા ગાળે ખૂબજ ગંભીર પરીણામો આવશે. કોવિડ-૧૯ બીમારીની ખાધ સુરક્ષા પર વર્ષો સુધી અસર રહેશે તેમ જણાય છે. અગાઉ ખાધ સુરક્ષા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા હતા તેને ખૂબ મોટો ધક્કો વાગ્યો છે એટલું જ નહી તેની સામાજીક અસરો પણ જોવા મળી રહી છે. વિશ્વમાં કોરોના સંક્રમણ રોકવા માટે જે પ્રયાસો થયા છે તેના કારણે ભૂખમરો સહન કરી રહેલા લોકો ભૂલાઇ ગયા છે. વિવિધ પ્રકારના પ્રતિબંધોના લીધે ગ્રામીણ વિસ્તારોમાં ખાધ અને ચિકિત્સા પહોંચી શકતી નથી. ખાસ કરીને બૂર્કિના ફાસો જેવા આફ્રિકન દેશોની સ્થિતિ અત્યંત દયનીય છે. દર પાંચમાંથી એક બાળક ગંભીર કુપોષણનો ભોગ બન્યું છે. ૧.૨ કરોડ લોકોને ભૂખ્યા સૂઇ રહેવા મજબૂર છે.
કોરોના પીડિત દેશોને યુએન દ્વારા ખાધ સંકટ દૂર કરવાની દિશામાં તાત્કાલિક પગલા ભરવા વિનંતી કરી છે. વિશ્વના નેતાઓએ અમીર દેશોની અર્થ વ્યવસ્થાને પ્રભાવિત કરી રહી છે તેની અસર ગરીબ દેશો પર દેખાવા લાગી છે. ગત વર્ષ ૧ કરોડ લોકો ભૂખમરાનો શિકાર બન્યા હતા આ વર્ષે ૧૩ કરોડ વધુ લોકો ભૂખમરાનો ભોગ બને તેવી શકયતા છે. કોરોનાના કારણે પરીસ્થિતિ એટલી ખરાબ બની રહી છે કે પ્રત્યેક ૯ માંથી ૧ વ્યકિતને ભૂખ્યા રહેવું પડે છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે મેડિકલ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ફંડનો પ્રવાહ વધી રહયો છે પરંતુ ભૂખ સામે લડવા માટેનું અભિયાન ભૂલાઇ ગયું છે.