શિયાળામાં થતી આ 5 બીમારીની રામબાણ દવા એટલે ગુંદના લાડૂ
નવી દિલ્હી, 29 નવેમ્બર 2019, શુક્રવાર
જેમ જેમ વાતાવરણ બદલાય છે તેમ તેમ લોકોના ખોરાકમાં પણ પરિવર્તન આવે છે. શિયાળા દરમિયાન લોકો આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવાનું પસંદ કરે છે જે તેમના શરીરને અંદરથી ગરમી આપે અને શરીરની નબળાઇને પણ દૂર કરે છે. આવી જ એક વસ્તુનું નામ ગુંદ. ગુંદ શિયાળામાં ખાવાથી શરીરને લાભ થાય છે. એટલા માટે જ શિયાળામાં લોકો ગુંદના લાડુ ખાતા હોય છે. સગર્ભા સ્ત્રીઓને તેમજ સ્તનપાન કરાવતી માતાઓને ગુંદના બનેલા લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં દરરોજ ગુંદના લાડુ ખાવાથી શરીરમાં કયા જાદુઈ પરિવર્તન જોવા મળે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
આ લાડુ બનાવીને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. જેના કારણે માંદગી ઓછી આવે છે. શરદી, ઉધરસથી બચવા માટે શિયાળામાં આ લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે.
હાડકાં મજબૂત થાય છે
દરરોજ રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ સાથે આ લાડુ ખાવાથી હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત સ્નાયુ અને કરોડરજ્જુ પણ મજબૂત થાય છે.
નબળાઇ દૂર થાય
ઘણીવાર સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને ગુંદ ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેનું સેવન કરવાથી ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં રહેલી નબળાઇ દૂર થાય છે. આ સિવાય જો શરીરમાં થાક અનુભવાતો હોય તો પણ ગુંદના લાડુ ખાવા જોઈએ.
કબજિયાતથી રાહત
દરરોજ એકથી બે ગુંદના લાડુ ખાવાથી કબજિયાત દૂર થાય છે. પરંતુ બે થી વધુ લાડુનું સેવન કરવાથી પેટ બગડે પણ છે. તેથી એક જ લાડુ રોજ ખાવો.
સાંધાના દુખાવાથી રાહત
શિયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો અનેક લોકોને સતાવતો હોય છે તેના કારણે ચાલવામાં પણ મુશ્કેલી થાય છે. તેથી જો તમે શિયાળામાં સ્વસ્થ રહેવા માંગતા હોવ તો રોજ રાત્રે એક લાડુ ગરમ દૂધ સાથે લેવો.