અલર્ટ : હવે દેશના આ શહેરમાં Zika Virus ની એન્ટ્રી, પ્રથમ કેસ નોંધાયો
ભવિષ્યમાં આ રોગ વધુ ન પ્રસરે તે માટે પુણે શહેરમાં ઝીકા વાઇરસનો એન્ટોમોલોજિકલ સર્વે હાથ ધરાયો
બ્રાઝિલમાં 2016માં ફાટી નીકળ્યા બાદ ઝીકા વાયરસને મહત્વના રોગોમાંના એક
અમદાવાદ,તા. 2 ડિસેમ્બર-2022, શનિવાર
મહારાષ્ટ્ર રાજ્યના પુણે જીલ્લાના બાવધન ગામે 67 વર્ષના એક વ્યક્તિ ઝિકા વાયરસથી સંક્રમિત મળી આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિ મુળ નાશિકનો રહેવાસી છે અને 6 નવેમ્બરે તે પુણે આવ્યો હતો. ત્યાર બાદ તા. 16 નવેમ્બરના રોજ તેને તાવ, ઉધરસ, સાંધામાં દુખાવો થતો હોવાથી તાત્કાલિક નજીકની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ 18 નવેમ્બરે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવતાં ઝિકા હોવાનું માલુમ થયું હતું.
મહારાષ્ટ્રના પુણેમાં આ પ્રથમ ઝિકા વાયરસનો એક કેસ નોંધાયો છે. અને તેના ભાગરૂપે ભવિષ્યમાં આ રોગ વધુ ન પ્રસરે તે માટે તાત્કાલિક પુણે શહેરમાં ઝીકા વાઇરસનો એન્ટોમોલોજિકલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. બ્રાઝિલમાં 2016માં ફાટી નીકળ્યા બાદ ઝીકા વાયરસને મહત્વના રોગોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર “મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો આ પ્રથમ એક કેસ નોંધાયો છે.પુણે શહેરમાં બાવધનના 67 વર્ષીય વ્યક્તિમાં આ ઝિકા વાયરસ જોવા મળ્યો હતો. એ મૂળ નાસિકનો રહેવાસી છે અને 6 નવેમ્બરે તે પુણે આવ્યો હતો. અગાઉ 22 ઓક્ટોબરે તેઓ સુરત ગયા હતા. અને ગત તા. 30 નવેમ્બરના રોજ NIV એ ખાત્રી કરી કહ્યું હતું કે તેમને ઝિકા વાયરસનો ચેપ લાગ્યો છે. અત્યારે દર્દી તબીબી રીતે સામાન્ય છે.
આ પ્રકારનો અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળ્યો નથી : સ્ટેટ મોનિટરિંગ ઓફિસર
રિપોર્ટ માટે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજી પુણેમાં તેના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને 30મી નવેમ્બરે તેનો રિપોર્ટ ઝીકા માટે પોઝિટિવ હોવાનું ખુલ્યુ હતું. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ ઓફિસર ડૉ. પ્રદીપ અવતે જણાવ્યું હતું કે, “ આ સાથે અમે તમામ વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધુ છે. અમને હજુ સુધી આ પ્રકારનો અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળ્યો નથી. તેમજ એડીસ ઇજિપ્તી મચ્છરોની બ્રીડિંગ પણ મળી નથી.”
રાજ્યમાં અત્યાર સુધીમાં ઝિકા વાયરસનો આ ત્રીજો કેસ નોંધાયો
સ્ટેટ મોનિટરિંગ ઓફિસર ડૉ. પ્રદીપ અવતેના જણાવ્યા મુજબ અહીં આસપાસના વિસ્તારમાં ફોગિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઝિકા વાયરસનો આ ત્રીજો કેસ નોંધાયો છે. સૌથી પહેલો કેસ ગયા વર્ષે પુણેના ગ્રામીણ વિસ્તારમાંથી સામે આવ્યો હતો એ પછી આજ વર્ષેમા બીજો કેસ પાલઘરથી મળી આવ્યો હતો. અને હવે બાવધન વિસ્તારમાંથી ત્રીજો કેસ મળી આવ્યો છે. ભવિષ્યમાં આ રોગ વધુ ન પ્રસરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પુણે શહેરમાં ઝીકા વાઇરસનો એન્ટોમોલોજિકલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
ઝિકા વાયરસના મુખ્ય લક્ષણ અને સાવચેતી
લક્ષણ :- તાવ, ઉધરસ, સાંધામાં દુખાવો થતો
સાવચેતી :- ઝીકા એ એક ખતરનાક વાયરસ છે, જે એ જ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે, જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, નિપાહ, જાપાનીઝ એન્સેફાલીટીસ, ફાઇલેરિયાસીસ, મેલેરિયા વગેરે જેવા રોગોનું કારણ છે. આ મચ્છર દિવસ દરમિયાન ઘણીવાર સક્રિય રહે છે.
ઝીકા વાઇરસનો ચેપ લાગે ત્યારે પીડા અને તાવ માટેની સામાન્ય દવાઓ આપવામાં આવે છે, પરંતુ જો લક્ષણો પ્રવર્તે તો નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ બની જાય છે.