ઠંડી બાદ હવે શરૂ થઈ ગરમી, બેઋતુમાં બીમાર થવાની શક્યતા વધુ, આવી રીતે કરો બચાવ
- જો તમે આ ડબલ ઋતુનો શિકાર બન્યા હોય તો દૂધમાં મધ મિક્સ કરીને પીવું
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2024, મંગળવાર
આખા વર્ષ દરમિયાન ઋતુમાં ફેરફાર થતો રહે છે. ક્યારેક વરસાદ, ક્યારેક ઠંડી અને પછી આ આકરી ગરમી. આ બધા ફેરફારો તમને બીમાર કરી શકે છે. આવી સ્થિતિમાં આ બદલાતી સિઝનમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમે ઠંડી-ગરમી એમ બેવડી ઋતુનો શિકાર બની શકો છો. ઠંડી-ગરમી એટલે ફ્લૂ અને શરદી-તાવ. આવી સ્થિતિમાં તમારે આ લક્ષણોને ધ્યાનમાં રાખીને શરદી-તાવ માટે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ. તો ચાલો જાણીએ કે ઠંડી-ગરમીની સમસ્યામાં તમે કયા લક્ષણો અનુભવી શકો છો અને તેના માટે શું ઘરગથ્થુ ઉપચાર છે.
ઠંડી-ગરમીના લક્ષણો
ઠંડી-ગરમી શરૂ થતાં જ તમને તાવ આવી શકે છે અને ફ્લૂના લક્ષણો અનુભવી શકો છો. આ ઉપરાંત તમારું ગળું સૂકાઈ શકે છે. ખૂબ જ થાક અનુભવાય છે અને માથામાં દુ:ખાવો તથા શરીરમાં દુ:ખાવો રહી શકે છે. શિયાળામાં આ બે ઋતુના કારણે કફ વાળી ઉધરસ થઈ શકે છે.
ઠંડી-ગરમી ડબલ ઋતુનો ઘરેલું ઉપચાર
જો તમે આ ડબલ ઋતુનો શિકાર બન્યા હોય તો દૂધમાં મધ મિક્સ કરીને પીવો. ત્યારબાદ તમે સફરજનના વિનેગરનો ઉકાળો બનાવીને પી શકો છો. આ ઉપરાંત તમે હળદર, તજ અને કાળા મરીનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. આ બધી વસ્તુઓ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ઠંડી-ગરમી સહિત ફ્લૂના લક્ષણોથી બચાવવામાં મદદ કરે છે.