ભારતમાં 30 ટકા લોકો માનસિક રીતે બીમાર, જાણો સંપૂર્ણ વિગતો
નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2019, સોમવાર
તાજેતરમાં જાહેર થયેલી એક રિપોર્ટ અનુસાર ભારતમાં 30 ટકા લોકો માનસિક બીમારીથી પીડિત છે. આ બીમારીઓમાં શાઈઝોફ્રેનિયા, ચિંતા, તાણ, અવસાદ, બાઈપોલર ડિસઓર્ડર, અલ્ઝાઈમર, ઈનસોમેનિયા, દવા કે દારુની લત, પાર્કિન્સન જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. જો કે નિષ્ણાંતોએ આ તમામ બીમારીઓની સારવાર માટે અનોખી રીત પણ શોધી છે. તેમના જણાવ્યાનુસાર આ તમામ બીમારીઓની સારવાર શક્ય છે.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર માનસિક બીમારીનું સમાધાન માત્ર દવાઓ નથી. ચિકિત્સા વિજ્ઞાનમાં ગત 100 વર્ષમાં માનસિક બીમારીઓની સારવાર શોધી શકાઈ નથી. આવી બીમારીથી પીડિત 95 ટકા દર્દી આજીવન બીમારીનો ભોગ બનેલા રહે છે. નિરાશા અને હકારાત્મક વલણના અભાવના કારણે દર્દીઓમાં આત્મહત્યા કરવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. જો કે આજકાલ તો માનસિક બીમારીઓ દરેક ઉંમર, લિંગ અને દરેક અલગ અલગ પ્રકારની જીવનશૈલીમાં જીવતા લોકોમાં જોવા મળે છે.
માનસિક બીમારીના વધારે પડતા કિસ્સામાં દર્દીને ઊંઘની દવાઓ આપવામાં આવે છે. તેના કારણે દર્દીની તંત્રિકાઓ નબળી પડી જાય છે. આ સારવાર કે આવી દવાઓ બીમારીનું સમાધાન નથી. આ પ્રકારની બીમારીઓમાં ખાસ સારવારની જરૂર પડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુમાન અનુસાર ભારતમાં દર 1 લાખની આબાદીમાંથી 2000થી વધારે લોકો માનસિક બીમારીનો શિકાર હોય છે. દર 1 લાખ લોકો પર આત્મહત્યાનો દર 21.1 છે.