વહેલા સુવાથી આયુષ્યમાં ૧૦ ટકા વધારો થાય છે
મોડી રાત્રે ભોજન, અપૂરતી ઉંઘ અને કસરતના અભાવે માનસિક તણાવ પેદા થાય છે
૬ વર્ષ સુધી ૪.૫૦ લાખ લોકોના સ્ટડીનું તારણ એક સંશોધન મુજબ જે લોકો વહેલા સુઇ જાય છે તે મોડા સુઇ જનારાની સરખામણીમાં ૧૦ ટકા વધુ જીવે છે. બ્રિટનમાં ૪.૩૦ લાખ લોકો પર થયેલા પ્રયોગમાં આ સાબીત થયું છે. આ શોધમાં ૩૮ થી ૭૩ વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી મોટા ભાગનાએ પોતાને વહેલી સવારમાં વર્ક કરવાની મજા આવતી હોવાનું જણાવ્યું હતું.
આ સંશોધનમાં ધુ્મપાન, શરાબની આદત, વજન તથા સામાજિક આર્થિક સ્થિતિ પણ જોવામાં આવી હતી. ૬ વર્ષના લાંબા સર્વેમાં થતા મુત્યુનો પણ સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦.૫૦૦ લોકોના મોત થયા હતા. રિસર્ચરોએ જોયું કે જે લોકો મોડે સુધી જાગતા હતા અને સવારે મોડે સુધી સૂઇ રહેતા હતા તેવા લોકોના મુત્યુનું પ્રમાણ ૧૦ ટકા વધારે હતું. મોડે સુધી જાગતા લોકોને મુત્યુનો ડર પણ વધારે સતાવતો હતો. તેમનામાં ડાયાબિટીસ, પેટ અને શ્વાસને લગતી તકલીફ, શરાબ અને ધુ્રમપાનનું વ્યસન પણ વધારે હતું.
સંશોધકોનું કહેવું હતું કે મોડે સુધી જાગવા અને સૂવાથી બાયોલોજિકલ કલોક આસપાસના વાતાવરણ સાથે મેચ થતી નથી. ખોટા સમયે ભોજન લેવાથી, પુરતું સુઇ રહેવું નહી, કસરત કરવી નહી તેનાથી માનસિક તણાવ પેદા થાય છે. મોડે સુધી જાગનારાઓએ પોતાની ટેવ બદલવી જોઇએ એટલું જ નહી તબીબી સલાહ પણ લેવી જોઇએ. સરે યુનિવર્સિટીના સંશોધકનું માનવું છે કે આ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્વો હોવાથી તેને નજર અંદાજ કરી શકાય નહી. શિકાગોની નોર્ધન યુનિવર્સિટીના સંશોધકોનું માનવું હતું કે રાત્રે મોડે સુધી જાગનારા લોકોની સમસ્યા પણ જુદી હોય છે.