અમદાવાદી ગ્રાહકે મંગાવ્યા 60 રૂપિયાના થેપલા; Zomatoએ ડબ્બાના વધારાના 60 રૂપિયા વસૂલતા લોકોએ ઝાટકણી કાઢી
Image: Twitter
અમદાવાદ,તા. 8 ઓગસ્ટ 2023, મંગળવાર
આજકાલ લોકો ડિજિટલ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો વધુ ઉપયોગ કરતા થઇ ગયા છે. લોકો શોપિંગની સાથે સાથે હવે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશનની મદદથી ફૂડ પણ ઓર્ડર કરવા લાગ્યા છે જેથી તેમનો સમય પણ બચી જાય છે અને ઘરે બેઠા સર્વિસ પણ મળી જાય છે. પરંતૂ જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો અને જે કન્ટેનરમાં ફૂડ પેક કરવામાં આવ્યું હતું તેના માટે ઓર્ડર જેટલી જ રકમ ચૂકવવી પડે તો કેવુ લાગશે?
આવું જ કંઈક અમદાવાદની એક મહિલા સાથે થયું. મહિલાએ ઝોમેટો દ્વારા રેસ્ટોરન્ટમાંથી 60 રૂપિયાની કિંમતના થેપલાની ત્રણ પ્લેટ મંગાવી હતી, પરંતુ જ્યારે તેણે બિલ ચેક કર્યું તો તે ચોંકી ગઈ. બિલ જોઈને તેને ખબર પડી કે તેની પાસેથી ફૂડ કન્ટેનર પેટે 60 રૂપિયા લેવામાં આવ્યા છે.
ટ્વીટર પર શેર કર્યો બિલનો ફોટો
ટ્વીટર પર બિલની તસવીર શેર કરતા ખુશ્બુ ઠક્કર નામની આ ટ્વિટર યુઝરે કેપ્શનમાં લખ્યું કે, 'કન્ટેનરનો ચાર્જ મેં ઓર્ડર કરેલી વસ્તુની બરાબર છે. કન્ટેનર ચાર્જ માટે 60 રૂપિયા ખરેખર??
હવે Zomatoએ આ મહિલાના ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, 'હાય ખુશ્બૂ, ટેક્સ યૂનિવર્સલ છે અને ફુડ ટાઇપના આધારે 5 ટકાથી 18 ટકા સુધી બદલાય જાય છે. પેકેજિંગ ચાર્જ અમારા રેસ્ટોરન્ટના પાર્ટનર દ્વારા લગાવવામાં આવે છે, તેમાંથી તેઓ કમાણી કરે છે.
આના જવાબમાં ખુશ્બુએ લખ્યું કે, ''મને રૂ. 60 કન્ટેનર ચાર્જ વધુ પડતો અને અયોગ્ય લાગે છે. શું ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના કન્ટેનર આપવાની જવાબદારી રેસ્ટોરન્ટની ન હોવી જોઈએ?'
આ પોસ્ટ પર લોકોના રિએક્શન આવી રહ્યાં છે જે પ્રમાણે એક યુઝરે કહ્યું કે, હોલસેલમાં પણ કંટેનરનો ચાર્જ 4 રૂપિયા હોય છે જે હિસાબથી આ કંઇક વધુ જ ચાર્જ છે. શેર કરવામાં આવ્યા બાદથી આ ટ્વીટને 43 હજારથી વધુ વખત જોવામાં આવ્યું છે. લોકો આ પોસ્ટ પર કમેન્ટ પણ કરી રહ્યાં છે.