વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર
Yusuf Pathan Land Controversy : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહતદરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી. તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ નામંજૂર દીધી હતી. હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દીવાલ બાંધી દઈ પ્લોટનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હતો. જે અંગે વિવાદ થતાં કોર્પોરેશને નોટિસ આપતા યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે અંગેનો કેસ ચાલી જતાં હાઈકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી છે અને વડોદરા મહાનગપાલિકાની ટીકા કરી છે કે, કોર્પોરેશને આ જમીનનો કબજો હજુ સુધી લીધો કેમ નથી?
વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયરે સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો, ત્યારે હવે તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ કથિત રીતે દબાવી લઈ ગેરકાયદે રીતે દીવાલ બાંધી દઈ તબેલો કરી દીધાનું બહાર આવતા પઠાણ બંધુઓ વિવાદમાં આવ્યા હતા.
તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગન સોસાયટી નજીક ટી.પી. સ્કીમ નં.22 ના ફાઈનલ પ્લોટ નં.90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે 3 માર્ચ 2012 ના રોજ વેચાણથી માંગણી કરી હતી. જે અંગે 8 જૂન 2012 ના માત્ર ત્રણ મહિનામાં કોર્પરેશનની સામાન્ય સભામાં ભાજપ–કોંગ્રેસના પણ વિરોધ વિના સર્વાનુમતે જમીન આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
કોર્પોરેશને ઠરાવ કર્યા બાદ રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવતા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે 9 સપ્ટેમ્બર 2014 ના રોજ કમિશનરને પત્ર લખી યુસુફ પઠાણને ફાળવવામાં આવેલી જમીન પ્રતિ ચો.મી. રૂા. 57, 270 ના પ્રિમિયમથી 99 વર્ષના ભાડા પટ્ટેથી જાહેર હરાજી સિવાય ફાળવવા માટે ખાસ કિસ્સા તરીકે રાજ્ય સરકારની મંજૂરી મેળવવા અંગે કરવામાં આવેલી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું??
આ મુદ્દે કોર્પોરેશનની સભામાં હોબાળો થતાં ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જે અંગેનો કેસ ન્યાયમૂર્તિ મોનાબેન ભટ્ટની કોર્ટમા ચાલી જતાં યુસુફ પઠાણની અરજી ફગાવી દેવામાં આવી છે અને હાઈકોર્ટે ટીકા કરી છે કે, રાજ્ય સરકારે ક્રિકેટરની જમીનની માગણી નામંજૂર કરી છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા તે જમીનનો કબજો લેવાની કાર્યવાહી કેમ કરી નથી.
ભાજપના પૂર્વ કોર્પોરેટરે લખ્યો પત્ર
તાંદળજામાં ક્રિકેટર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશનની જમીનના કેટલાક ભાગ પર કબજો જમાવી દીધો છે. જે અંગે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું છે કે, જ્યારે હાઇકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી છે. ત્યારે કોર્પોરેશને આ જમીનનો કબજો મેળવી લેવો જોઈએ. તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, ગરીબ ઝૂંપડાં વાસીઓ હોય અથવા તો તેના દબાણ તોડવામાં આવે છે. તો પર પ્રાંતમાંથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણે કોર્પોરેશનના પ્લોટની માંગણી કરી હતી. તે રાજ્ય સરકારે નામંજૂર કરી હોય તો પછી તે પ્લોટ પર તેમણે કબજો જમાવી દીધો હોવાથી તાત્કાલિક અસરથી દીવાલ તોડી કોર્પોરેશને કબજો લેવો જોઈએ તેવી માગણી અગાઉ કરી હતી.
કોર્પોરેશનમાં યુસુફ પઠાણની જમીનનો વિવાદ થતાં કોર્પોરેશનની સભામાં અત્યાર સુધી જમીનનો વપરાશ કરવામાં આવ્યો છે તો તેનું ભાડૂ વસૂલ કરવાની માગણી થઈ હતી. છતાં આજદિન સુધી કોર્પોરેશને ભાડાની વસૂલાતની કાર્યવાહી કરી નથી. આ જમીન યુસુફ પઠાણને નહીં આપવાના નિર્ણય બાદ યુસુફ પઠાણે આ પ્લોટ પર દીવાલ બાંધી દઈ પ્લોટનો કેટલોક ભાગનો કબજો કરી લીધો છે. જેથી છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
આજદિન સુધી કોર્પોરેશને ભાડૂ વસૂલ કર્યું નથી
આ અંગે ભાજપના પૂર્વકોર્પોરેટર પવારે મુખ્યમંત્રીને પત્ર લખી જમીન પરત લેવા માંગણી કરી હતી. તે બાદ કોર્પોરેશનની માલિકીની જમીન પચાવી પાડનાર યુસુફ પઠાણ સામે કોર્પોરેશનની સભામાં સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયા, વોર્ડ નં-10ના કોર્પોરેટર નીતિન દોંગા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ યુસુફ પઠાણ પાસેથી જમીનનું ભાડુ વસૂલ કરવા જણાવ્યું હતું તેમ છતાં આજદિન સુધી કોર્પોરેશને ભાડૂ વસૂલ કર્યું નથી.