Get The App

આઠ-દસ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ, બે ઈસમોની ધરપકડ

Updated: Feb 23rd, 2025

GS TEAM

Google News
Google News
આઠ-દસ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ, બે ઈસમોની ધરપકડ 1 - image


- સુત્રાપાડાના યુટયૂબરને બેફામ માર મારવામાં આવતા સારવાર માટે ખસેડાયો હતો.

વેરાવળ : સુત્રાપાડાના યુટયૂબર 'રોયલ રાજા'નું આઠથી દશ શખ્સોએ અ૫હરણ કરી જઈને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. જેમાં યુટયૂબર 'ખજૂરભાઈ' અને કીત પટેલના વિવાદના કારણે હુમલાખોરોએ તેને મારકૂટ કરીને મૂછ-વાળ કાપી નાખ્યાંનો આક્ષેપ કરાયો છે. જેના પગલે પોલીસે હાલ ૮-૧૦ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધીને બે ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ ચાલુ કરી છે.

'ખજૂરભાઈ' અને કીત પટેલના વિવાદના કારણે હુમલાખોરોએ મારકૂટ કરીને મૂછ-વાળ કાપી નાખ્યાંનો આક્ષેપ, પોલીસ દ્વારા તપાસ શરૂ

સુત્રાપાડાના યુટયુબર 'રોયલ રાજા' ઉર્ફે દિનેશ સોલંકીએ જણાવ્યા મુજબ, યુટયૂબર 'ખજૂરભાઈ' અને કીત પટેલના વિવાદના કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ઘંટિયા ગામના ફાટક પાસે ત્રણ કારમાં આવેલા ૧૦ જેટલા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરીને ઊંધો સુવડાવી ઢોર માર માર્યો હતો. વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે, આ હુમલા દરમિયાન આરોપીઓએ કીત પટેલને વીડિયો કાલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીતએ કહ્યું કે, રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાંખો. કીતના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતા. જે નિવેદનના આધારે સુત્રાપાડા પોલીસે આરોપી અર્જુન પરબત સોલંકી, મિત કાનાભાઈ રામ, સિદ્ધરાજ ચુડાસમા સહિત આઠ લોકો સામે અપહરણ, માર અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. હાલમાં પીડિત દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 

પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે, 'રોયલ રાજા'એ જે-તે સમયે ખજૂરભાઈની તરફેણમાં પોસ્ટ મૂકી હતી, તે બાદ વિવાદ ચગ્યો હતો અને કીત પટેલ સાથે સોશ્યલ મીડિયામાં વોર જામી હતી. જો કે, આ વિવાદ સાથે અન્ય વાત  પણ જાણવા મળી છે કે, હુમલાનો ભોગ બનનાર દિનેશ સોલંકી અને આરોપી મિત કાનાભાઈ રામ વચ્ચે અગાઉ પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થયો હતો, જેના કારણે પણ આ અપહરણ થયું હોવાની પણ શક્યતા છે. જેથી એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

Tags :