નોર્વે અને ઓસ્ટ્રિયામાં ખેતીકામ તથા નોકરીના બહાને યુવાનો સાથે રૂા. 98 લાખની છેતરપિંડી
પોરબંદરના ભેજાબાજ યુવાને સોશ્યલ મીડિયાના સહારે રાજકોટની યુવતીને સાથે રાખી કૌભાંડ કર્યું : ભીંસ પડતા 20 લાખ રૂપિયા પરત આપ્યા બાદ 78 લાખનું બૂચ મારી દેતાં ફરિયાદ
પોરબંદર, : પોરબંદર તાલુકાના કુણવદર ગામના ભેજાબાજ શખ્સે યુ-ટયુબમાં નોકરી અંગે લાલચ આપતો વીડિયો મુકી નોર્વે અને ઓસ્ટ્રિયામાં ખેતીકામ કરવાની નોકરી અપાવવાના બહાને ૨૪ નોકરી વાંચ્છુઓને શીશામાં ઉતારી ટૂકડે ટૂકડે રૂા. 98 લાખ જેવી માતબર રકમ એકત્ર કરી બાદમાં વીસ લાખ પરત આપ્યા બાદ નોકરી પણ નહી અને પૈસા પણ પરત નહી એમ કરી રૂા. 78 લાખનો ધૂંબો મારી દેતા મામલો પોરબંદરના પોલીસ મથકમાં પહોંચ્યો છે. જેમાં પોરબંદરના છેતરાયેલા ડ્રાઈવર યુવાને આ શખ્સ અને રાજકોટની એક યુવતીની સામે ફરિયાદ નોંધાવી છે.
પોરબંદરના જયુબિલી વિસ્તારમાં કસ્તુરબા સ્કૂલની પાસે રહેતા ડ્રાઈવિંગનો અભ્યાસ કરતા પ્રતાપ ભીખુભાઈ ઓડેદરા નામના યુવાને કુણવદરના રામ સાજણ ગોઢાણિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસને જણાવ્યા મુજબ ઉપરોકત શખ્સે રાજકોટની મીતલ વિનયકુમાર સુરજીવાલાને સાથે રાખી યુટયુબમાં વીડિયો બનાવી મૂક્યો હતો અને એમાં કહેવામાં આવ્યું હતું કે જેણે નોર્વે અને ઓસ્ટ્રિયામાં ખેતીકામમાં નોકરી કરવી હોય એ લોકો અમારો સંપર્ક સાધે હું અમે તમોને વર્ક વિઝા કરાવી આપશુ અને આ માટે જવાનું ભાડું તેમજ અન્ય ખર્ચ મળીને રૂા.દસ લાખનો ખર્ચ થશે આથી તેણે અને અન્યોએ તેનો સંપર્ક સાધ્યો હતો. આથી આ શખ્સ જે વ્યકિત એનો સંપર્ક કરે એને રાજકોટના અયોધ્યા ચોકમાં મિતલ સુરજીવાલા પાસે મોકલી જુદા જુદા લખાણપટ્ટી કરાવીને કટકે કટકે પૈસા વસુલતા હતા. જેમાં પહેલા દોઢ લાખ એ પછી જોબ ઓફર લેટર આવે ત્યારે અડધો લાખ, વર્ક પરમીટ આવે એટલે દોઢ લાખ, મેડિકલના પૈસા આ બધા નાણા આપ્યા બાદ નેવું દિવસમાં કન્ફર્મ થઈ જશે. આથી બધાએ જુદી જુદી રકમ આપી હતી.